Surat Navratri Security: સુરતમાં નવરાત્રી પર્વને લઈને પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરત પોલીસ દ્વારા અત્યારથી જ ચુસ્ત બંદોબસ્તનું મેગા પ્લાનિંગ તૈયાર કરી દેવામાં આવ્યું છે.
મહોત્સવની મંજૂરી અને અરજીઓની સ્થિતિ
નવરાત્રી મહોત્સવને લઈને સુરત પોલીસ સમક્ષ અત્યાર સુધીમાં કુલ 25 કોમર્શિયલ તેમજ 9 નોન-કોમર્શિયલ નવરાત્રી આયોજનની અરજીઓ મળી છે. આ ઉપરાંત રાવણ દહનની 2 અરજીઓ પણ પ્રાપ્ત થઈ છે. હાલ પોલીસ દ્વારા આ તમામ અરજીઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે અને સરકારની આદર્શ ગાઈડલાઈન (જેવી કે ફાયર સેફટી, એન્ટ્રી-એક્ઝીટ પોઈન્ટ અને ઇલેક્ટ્રિક સેફટી) મુજબ જ પરવાનગી આપવામાં આવશે.
સુરક્ષા અને બંદોબસ્ત માટે પોલીસ ફોર્સનો કાફલો
શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને અડગ રાખવા માટે પોલીસ વિભાગનો મોટો કાફલો તૈનાત રહેશે.
અધિકારીઓ અને જવાનો: 15 ડીસીપી, 20 એસીપી, 60 પીઆઈ, 158 પીએસઆઈ અને 2,880 પોલીસ જવાનો ફરજ બજાવશે.
વધારાની ફોર્સ: એસઆરપીની 3 કંપનીઓ, 1,500 હોમગાર્ડ અને 1,400 ટીઆરબી (TRB) જવાનો કાયદો અને વ્યવસ્થા સંભાળશે.
મોટા ગરબા પંડાલો પર ક્યુઆરટી (QRT) ટીમ, પીસીઆર અને બાઈક પેટ્રોલિંગ સતત ચાલુ રહેશે. અવાવરું જગ્યાઓ પર 'આસ્કા લાઈટ'ની ખાસ વ્યવસ્થા કરાશે.
મહિલા સુરક્ષા અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ (AI & Drones)
AI કેમેરા અને ડ્રોન સર્વેલન્સ: મોટા ગરબા ગ્રાઉન્ડ્સ પર આધુનિક AI કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવશે, જે ગ્રાઉન્ડની ક્ષમતા મુજબ ખેલૈયાઓની સંખ્યા પર કંટ્રોલ રૂમથી સીધી નજર રાખશે. આ સાથે ડ્રોન કેમેરાથી પણ સતત સર્વેલન્સ રખાશે.
શી ટીમ અને ખાનગી ડ્રેસમાં જાસૂસી: અંદાજે 40 અલગ-અલગ 'શી ટીમ' ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાના સ્થળો પર તૈનાત રહીને રોમિયોગીરી અને છેડતી કરનારાઓ પર બાજ નજર રાખશે.
મહિલા હેલ્પલાઇન (112): રાત્રિના સમયે દીકરીઓ કે મહિલાઓને ઘરે પરત ફરવામાં કોઈ મુશ્કેલી પડે તો પોલીસ હેલ્પલાઇન નંબર 112 પર કોલ કરવાથી સુરક્ષિત ઘેર પહોંચાડવાની ખાસ વ્યવસ્થા કરાઈ છે.
ટ્રાફિક, ચેકિંગ અને અસામાજિક તત્વો પર બાજ નજર
ડ્રીંક એન્ડ ડ્રાઈવ અને ચેકિંગ: શહેરના મુખ્ય પ્રવેશદ્વારો અને ચેકપોસ્ટ પર રાઉન્ડ-ધ-ક્લોક વાહન ચેકિંગ થશે. દારૂ પીને વાહન ચલાવનારાઓ સામે કાયદેસરના કડક પગલાં લેવાશે.
પાર્કિંગ અને ડાર્ક સ્પોટ: એસએમસી (SMC) સાથે સંકલન કરીને ગરબા ગ્રાઉન્ડની આસપાસના ડાર્ક સ્પોટ્સ પર લાઈટો લગાવાઈ છે.
પોકેટમારો અને સ્નેચર્સ પર વોચ: ભીડભાડવાળી જગ્યાઓએ ચેઈન સ્નેચિંગ અને મોબાઈલ ચોરી અટકાવવા સાદા વસ્ત્રોમાં પોલીસકર્મીઓ તૈનાત રહેશે.
સાઈબર સુરક્ષા: સોશિયલ મીડિયા પર કોઈ ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ કે મેસેજ વાયરલ કરનાર તત્વો પર સાઈબર સેલની ટીમ સતત વોચ રાખી રહી છે.
તહેવારો દરમિયાન શહેરમાં કોઈ અપ્રિય બનાવ ન બને અને લોકો નિર્ભય બનીને ઉત્સવ ઉજવી શકે તે માટે સુરત પોલીસ પૂરી રીતે સજ્જ છે.
