Surat: નાનપુરા મટન માર્કેટ પાસે બે કિશોરની હત્યા, ત્રણ આરોપી સગીરોની પોલીસે કરી અટકાયત

મૃતક કિશોરોએ આરોપી કિશોરોને ટપલીદાવ કરતા ઉશ્કેરાઈને મટન કાપવાના છરા વડે બંને કિશોરની હત્યા કરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 02 Nov 2026 03:38 PM (IST)Updated: Mon, 02 Nov 2026 03:38 PM (IST)
surat-nanpura-mutton-market-double-murder-over-dispute-three-minor-accused-detained

Surat Double Murder Incident: સુરતના નાનપુરા મટન માર્કેટ પાસે ગત રાતે ડબલ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી છે. ત્રણ સગીરોએ બે સગીરો પર મટન કાપવાના છરા વડે હુમલો કરી હત્યા કરી હતી. આ બનાવમાં પોલીસે હાલ ત્રણ સગીરોને ડિટેઈન કરી તપાસ શરુ કરી છે. બીજી તરફ, આ ઘટના પાછળનું કારણ ઈન્સ્ટાગ્રામ ગ્રુપમાંબિનજરૂરી વીડિયો પોસ્ટ કરવા બાબતે ઝઘડો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, સુરતના નાનપુરા મટન માર્કેટ પાસે રાતે 11:45 વાગ્યાની આસપાસ ડબલ મર્ડરની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળેપહોંચ્યો હતો. પોલીસ તપાસમાં બંને મૃતક સગીર વયના હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે એક મૃતકના પિતાની ફરિયાદ લઈને તપાસ હાથ ધરી અને ત્રણ સગીરોને ડિટેઇન કર્યા હતા.

ASP વિજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, નાનપુરા મટન માર્કેટ પાસે ફાતેમા કબ્રસ્તાન પાસે જાહેરમાં બે કિશોરોની હત્યા થઈ હતી. જે બાબતે અઠવાલાઇન્સ પોલીસ મથકમાં જાણ થતા પોલીસ ત્યાં પહોંચી અને એક મૃતક કિશોરના પિતા શાબીર ફૈઝ મોહમદ શેખની ફરિયાદ તાત્કાલિક લીધી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આજુબાજુના CCTV ફૂટેજ ચેક કરી હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી ત્રણ સગીરોને ડિટેઇન કર્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ઝઘડાનું મૂળ કારણ ઈન્સ્ટાગ્રામ ગ્રુપમાં થયેલો ઝઘડો છે. ગ્રુપમાં કોઈ વ્યક્તિએ બે-ત્રણ વીડિયો પોસ્ટ કરતા આરોપી સગીરોએ ગાળો બોલી કહ્યું કે, બિનજરૂરી વીડિયો ટાઈમ પાસ માટે શા કારણે નાખો છે. એટલે અંદરો અંદર બે ગ્રુપ વચ્ચે બોલાચાલી અને ગાળા ગાળી થઈ હતી. તેનું સમાધાન કરવા માટે બંને પક્ષ એકઠા થયા હતા. તેમાં મૃતક બે કિશોરોએ આરોપી કિશોરોને ટપલીદાવ કરતા ઉશ્કેરાઈને મટન કાપવાના છરા વડે એક-એક ઘા મારી બંને કિશોરની હત્યા કરી હતી.