Surat: નાનપુરામાં એકલા રહેતા 84 વર્ષીય વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો, 15 વર્ષના પુત્રની નજર સામે મહિલાએ ચોરીના ઈરાદે કરી હત્યા

સુરતના નાનપુરામાં 84 વર્ષીય વૃદ્ધા આમેના ઉર્ફે એમીબેનની હત્યાનો ભેદ ઉકેલાયો. પોલીસે 35 વર્ષીય મહિલાની ધરપકડ કરી, ચોરીના ઈરાદે વૃદ્ધાની હત્યા કર્યાનું સામે આવ્યું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 17 Sep 2026 03:19 PM (IST)Updated: Thu, 17 Sep 2026 03:19 PM (IST)
surat-nanpura-84-year-old-woman-murder-solved-woman-killed-elderly-woman-for-theft

Surat Crime News: સુરતના નાનપુરા વિસ્તારમાં 84 વર્ષીય વૃદ્ધ મહિલાની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. વૃદ્ધ મહિલાની હત્યા એક મહિલાએ તેના જ 15 વર્ષના પુત્રની સામે કરી હતી.

નાનપુરામાં 84 વર્ષીય મહિલાનું મર્ડર

મળતી માહિતી મુજબ, સુરતના નાનપુરા વિસ્તારમાં ટી.એન્ડ ટી.વી.હાઈસ્કૂલની સામે મોનાલીસા એપાર્ટમેન્ટમાં 84 વર્ષીય આમેના ઉર્ફે એમીબેન અબ્દેઅલી મોતીવાલા રહેતા હતા. તેમના પતિ અને પુત્રનું અગાઉ નિધન થઇ ચૂક્યું છે. 84 વર્ષીય આમેના ઉર્ફે એમીબેનની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. તેમનું મોત ગળું દબાવવાથી, માથામાં કોઈ સાધન વડે ઈજા થવાથી કે છાતીની પાંસળી તૂટેલી હોવાથી મોત થયાનું પીએમ રીપોર્ટમાં સામે આવ્યું હતું.

પોલીસે મહિલાને ઝડપી લીધી

આ કેસમાં પોલીસે તપાસ કરી ત્યારે આંખે ઉડીને વળગે એવી બાબત સામે આવ્યું હતું. વૃદ્ધ મહિલાના શરીર પર લગભગ સાત તોલા જેટલા સોનાના દાગીના હતા. પરંતુ આરોપીએ આ દાગીનાને હાથ લગાડ્યો ન હતો. જેથી લૂંટ કે ચોરીનો ઈરાદો હોય તેવું પ્રસ્થાપિત થયું ન હતું. પોલીસે આશરે 300 CCTV ફૂટેજ તપસ્યા ત્યારે એક મહિલાની હિલચાલ શંકાસ્પદ જણાઈ આવી હતી. જેથી પોલીસે તે મહિલાની તપાસ કરતા તે મહિલા નાનપુરા વિસ્તારમાં રહેતી છાયાબેન મુકેશભાઈ શાહ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસ પૂછપરછમાં સત્ય સામે આવ્યું

પોલીસે 35 વર્ષીય મહિલાની કડક પૂછપરછ કરતાં સામે આવ્યું કે, મહિલાનો પતિ છેલ્લા કેટલાક વર્ષોથી તેને છોડીને જતો રહ્યો છે. હાલમાં મહિલા તેના 15 વર્ષનો પુત્ર સાથે રહેતી હતી. તેમજ તે કેરટેકરનું કામ કરે છે. થોડા દિવસો પહેલા છાયાબેન ભાડે મકાન જોવા વૃદ્ધ મહિલાના એપાર્ટમેન્ટમાં ગયા હતા. જ્યાં મૃતક વૃદ્ધ મહિલાએ હું એકલી જ રહું છું, તમે અહી ભાડે રહેવા આવી જશો. તો સથવારો રહેશે તેમ કહ્યું હતું. વૃદ્ધ મહિલા એકલી રહેતી હોય અને તેણે પહેરેલા દાગીના જોતા છાયાબેનની દાનત બગડી હતી અને તેણે ચોરીનો પ્લાન બનાવ્યો હતો.

ચોરીના ઈરાદે મહિલાએ વૃદ્ધાની હત્યા કરી

બનાવના દિવસે છાયાબેન તેમના 15 દિવસના દીકરા સાથે વૃદ્ધ મહિલાના ઘરે ગઈ હતી. મહિલાએ તિજોરીમાંથી ચોરીનો પ્રયાસ કરતા વૃદ્ધ મહિલાએ બુમાબુમ કરી હતી. છાયાબેને વૃદ્ધ મહિલાને માથામાં ઈસ્ત્રી મારીને જમીન પર પછાડી દીધા હતા. ત્યારબાદ વૃદ્ધાની છાતી પર બેસીને મહિલાએ ઈસ્ત્રીના વાયરથી ગળું દબાવી દીધું હતું.

આરોપી મહિલા સામે પોલીસ કાર્યવાહી

ઘટના સમયે મહિલાના 15 વર્ષના દીકરાએ માતાને આવું ન કરવા કહીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલા માની નહોતી. જે બાદ પુત્ર બુમો પાડવા લાગતાં મહિલા કોઈ લૂંટ કર્યા વિના જ મહિલા દીકરા સાથે ફરાર થઈ ગઈ હતી. તેની સાથે વૃદ્ધ મહિલાનો મોબાઈલ ફોન લઈને પણ સાથે લઈ ગઈ હતી. હાલ સમગ્ર મામલે અઠવા પોલીસે મહિલા આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.