સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 900થી વધુ મકાનો ભાડે અપાયા હોવાનો ઘટસ્ફોટ, મનપાએ ફટકારી નોટિસ

સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 900થી વધુ મકાનો મૂળ લાભાર્થીઓએ ભાડે આપી દીધા હોવાનો ઘટસ્ફોટ. સુરત મહાનગરપાલિકાએ ત્રણ વખત નોટિસ આપ્યા બાદ હવે કાયદેસરની કાર્યવાહીની તૈયારી શરૂ કરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 15 Nov 2026 11:52 AM (IST)Updated: Sun, 15 Nov 2026 11:52 AM (IST)
surat-municipal-corporation-notice-900-pmay-awas-yojana-houses-rented-illegally-legal-action

Surat PMAY Housing Scam: ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘરનું ઘર મળી રહે તે હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા મકાનોમાં ગેરરીતિની ફરિયાદો સામે આવી છે. યોજનાના ડ્રો મારફતે આવાસ મેળવનારા કેટલાક લાભાર્થીઓ પોતે રહેવાને બદલે અન્ય લોકોને ભાડે મકાન આપી કમાણી કરી રહ્યા હોવાની ફરિયાદોને પગલે પાલિકા તંત્રએ તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે.

900 આવાસોમાં ભાડૂઆત રહેતાં હોવાનું ખુલ્યું

તપાસ દરમિયાન 900થી વધુ આવાસોમાં મૂળ લાભાર્થીઓના સ્થાને ભાડૂઆતો રહેતા હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પાલિકા દ્વારા સંબંધિત 900થી વધુ મકાનમાલિકો તેમજ ભાડૂઆતોને નોટિસ પાઠવવામાં આવી છે. આવાસ યોજનાનો લાભ ખરેખર જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચે તે માટે એફોર્ડેબલ હાઉસિંગ કમિટીના ચેરમેન દ્વારા અગાઉ જ મકાનમાલિકોને ભાડૂતો પાસેથી મકાનો ખાલી કરાવવાની સૂચના આપવામાં આવી હતી.

મનપા દ્વારા 3 વાર નોટિસ પાઠવાઈ

આ મામલે મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં ત્રણ વખત નોટિસ આપવામાં આવી. હોવા છતાં કેટલાક આવાસો ખાલી કરાવવામાં આવ્યા નથી. દિવાળીના તહેવારના આશરે એક અઠવાડિયા અગાઉ પણ અંતિમ ચેતવણીરૂપે નોટિસ આપવામાં આવી હતી. હવે સૂચનાનું પાલન નહીં કરનારા મકાનમાલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી પાલિકા દ્વારા કરવામાં આવી છે. આ અંગે એફોર્ડેબલ હાઉસિંગ કમિટીના ચેરમેન દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે,

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફાળવવામાં આવેલા કેટલાક મકાનોમાં મૂળ લાભાર્થીઓ રહેતા ન હોવાની અને તેના બદલે ભાડૂતોને રાખવામાં આવતા હોવાની ફરિયાદો મળી હતી. તેના કારણે જરૂરિયાતમંદ અને સ્થાનિક લોકોને આવાસનો લાભ મળતો નથી.

મકાનમાલિકો સામે કાયદાકીય પગલાં લેવાશે

વધુમાં, કેટલીક આવાસ સોસાયટીઓમાંથી એવી ફરિયાદો પણ મળી હતી કે ભાડેથી રહેતા લોકો સોસાયટીના સામાન્ય ખર્ચમાં આર્થિક સહયોગ આપતા નથી. આવી વિવિધ ફરિયાદોને ગંભીરતાથી લઈને પાલિકા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં 900થી વધુ આવાસોમાં ભાડૂતો રહેતા હોવાનું સામે આવ્યા બાદ મકાનમાલિકો અને ભાડૂતોને નોટિસ આપવામાં આવી છે. હવે નિયત સૂચના છતાં આવાસ ખાલી નહીં કરાવવામાં આવે તો જવાબદાર મકાનમાલિકો સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે.