Surat News: સુરત શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ અસરકારક બનાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2027–2028ના ડ્રાફ્ટ બજેટની તૈયારી ચાલી રહી છે ત્યારે મનપાએ શહેરના નાગરિકો પાસેથી સૂચનો અને અભિપ્રાયો મંગાવ્યા છે. નાગરિકો પોતાના સૂચનો ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી જાહેરાતની તારીખથી 7 દિવસની અંદર રજૂ કરી શકશે.
લોકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા
આ પણ વાંચો
સુરત મહાનગરપાલિકા હાલમાં આગામી નાણાકીય વર્ષના ડ્રાફ્ટ બજેટને આખરી સ્વરૂપ આપવાની કામગીરી કરી રહી છે. આ પ્રક્રિયામાં નાગરિકોની જરૂરિયાતો અને અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને શહેરની વિવિધ સેવાઓ વધુ સુદૃઢ અને કાર્યક્ષમ બને તે હેતુથી લોકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે. શહેરના ટૂંકાગાળાના અને લાંબાગાળાના વિકાસ આયોજન, વિવિધ વિકાસલક્ષી કામો તેમજ મહાનગરપાલિકાની અન્ય કામગીરી અંગે નાગરિકો પોતાના વિચારો રજૂ કરી શકશે. સ્થાનિક વહીવટમાં લોકોની સીધી ભાગીદારી વધારવા અને શહેરના વિકાસ આયોજનમાં નાગરિકોના અભિપ્રાયને સ્થાન આપવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
7 દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી
નાગરિકો સરળતાથી પોતાના સૂચનો પહોંચાડી શકે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે લોકો ઓનલાઈન અભિપ્રાય આપવા માંગતા હોય તેઓ મનપાની સત્તાવાર વેબસાઈટ www.suratmunicipal.gov.in પર જઈને પોતાના સૂચનો નોંધાવી શકશે. આ માટે જાહેરાતની તારીખથી 7 દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન નાગરિકો બજેટને લગતા પોતાના સૂચનો ઓનલાઈન રજૂ કરી શકશે.
લેખિતમાં સૂચનો આપવા ઈચ્છતા નાગરિકો માટે પણ વ્યવસ્થા
ઓનલાઈન ઉપરાંત લેખિતમાં સૂચનો આપવા ઈચ્છતા નાગરિકો માટે પણ મહાનગરપાલિકાએ વ્યવસ્થા કરી છે. ઓફલાઈન માધ્યમથી મોકલવામાં આવતા સૂચનો મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને લખવાના રહેશે.સૂચનપત્રના મથાળે અથવા કવર પર સ્પષ્ટ રીતે 'નાણાકીય વર્ષ 2027–2028 બજેટ સૂચન' લખવાનું રહેશે. આ લેખિત સૂચનો મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસ ખાતે રૂમ નંબર 75, સેન્ટ્રલ ઓફિસ, સુરત મહાનગરપાલિકા, સુરત ખાતે જાહેરાતની તારીખથી દિન-7 ની અંદર મોકલી આપવા વિનંતી કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાનો ઉદ્દેશ્ય શહેરના સર્વાંગી વિકાસની સાથે નાગરિકોને મળતી સેવાઓની ગુણવત્તામાં પણ સુધારો કરવાનો છે. આ માટે લોકોના સૂચનો અને અપેક્ષાઓને આગામી બજેટના આયોજનમાં સામેલ કરી શકાય તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.મનપાએ શહેરના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ નિર્ધારિત 7 દિવસની સમયમર્યાદામાં પોતાના ઉપયોગી સૂચનો રજૂ કરે, જેથી નાણાકીય વર્ષ 2027–2028ના બજેટમાં શહેરના વિકાસ અને જનહિતના મુદ્દાઓને યોગ્ય સ્થાન મળી શકે.
