સુરત મનપાની ક્લાર્ક ભરતીની આન્સર કી સામે 750 વાંધા, એક જ પ્રશ્ન પર 292 ઉમેદવારોને શંકા

પરીક્ષામાં 69.07 ટકા હાજરી નોંધાઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ માત્ર પાંચ દિવસમાં ઉમેદવારોની OMR શીટનું સ્કેનિંગ પૂર્ણ કરીને તેને ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 28 Oct 2026 03:29 PM (IST)Updated: Wed, 28 Oct 2026 03:29 PM (IST)
surat-municipal-corporation-clerk-answer-key-receives-750-objections

Surat News: સુરત મહાનગરપાલિકાની મેગા ભરતી અંતર્ગત યોજાયેલી ક્લાર્ક શ્રેણી-3ની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા નો ઢગલો થયો છે. પ્રશ્નોના જવાબ અંગે કુલ 429 ઉમેદવારોએ 750 વાંધા રજૂ કર્યા છે. ખાસ વાત એ છે કે એક જ પ્રશ્નના જવાબ સામે સૌથી વધુ 292 ઉમેદવારોએ વાંધો નોંધાવ્યો છે. આ ઉપરાંત અન્ય બે પ્રશ્નો સામે અનુક્રમે 102 અને 60 વાંધા રજૂ થતાં હવે મનપા તંત્ર દ્વારા પ્રશ્નો અને જવાબોની પુનઃચકાસણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકાની ક્લાર્ક શ્રેણી-3ની ભરતી માટે ગત 11 ઓક્ટોબરે સુરત, અમદાવાદ અને રાજકોટ એમ ત્રણ શહેરોમાં પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષા માટે કુલ 1,14,970 ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી 75,963 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આમ, પરીક્ષામાં 69.07 ટકા હાજરી નોંધાઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ માત્ર પાંચ દિવસમાં ઉમેદવારોની OMR શીટનું સ્કેનિંગ પૂર્ણ કરીને તેને ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. આ સાથે મનપા દ્વારા પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર કરવામાં આવી હતી, જેથી ઉમેદવારો પોતાના જવાબોની ચકાસણી કરી શકે અને કોઈ વિસંગતતા જણાય તો વાંધો રજૂ કરી શકે.

પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા રજૂ કરવા માટે ઉમેદવારોને 24 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન 429 ઉમેદવારોએ ઓનલાઈન પોર્ટલ મારફતે કુલ 750 વાંધા નોંધાવ્યા હતા. પરીક્ષાના કુલ 100 પ્રશ્નોમાંથી 58 પ્રશ્નોના જવાબ સામે વાંધા રજૂ થયા છે. વાંધાઓના આંકડા પર નજર કરીએ તો એક પ્રશ્ન સામે 292, બીજા પ્રશ્ન સામે 102 અને ત્રીજા પ્રશ્ન સામે 60 વાંધા નોંધાયા છે. આમ, આ ત્રણ પ્રશ્નો સામે જ કુલ 454 વાંધા રજૂ થયા છે. આ આંકડા દર્શાવે છે કે કેટલાક પ્રશ્નોના જવાબ અંગે ઉમેદવારોમાં વિશેષ અસંતોષ છે.

જોકે, કોઈ પ્રશ્ન સામે વાંધો રજૂ થયો હોવાનો અર્થ એ નથી કે તેનો જાહેર કરાયેલો જવાબ ખોટો જ છે. મનપા તંત્ર દ્વારા વાંધા ઉઠાવવામાં આવેલા 58 પ્રશ્નો અને તેના જવાબોની નિષ્ણાતો પાસે ચકાસણી કરાવવામાં આવશે. નિષ્ણાતોના અભિપ્રાય અને ચકાસણીના આધારે જરૂરી સુધારા કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ આન્સર કી જાહેર કરવાની તૈયારી છે. અંતિમ આન્સર કી જાહેર થયા પછી ભરતીની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.