Surat News: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 120માંથી 115 બેઠકો જીતીને ભાજપે ઇતિહાસ રચ્યા બાદ હવે સત્તાના મુખ્ય ચહેરાઓ કોણ હશે તે મુદ્દે રાજકીય ચહલપહલ તેજ બની છે. મેયર, સ્થાયી સમિતિ ચેરમેન, ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતા અને દંડક જેવા પાંચ અગત્યના હોદ્દાઓ માટે આવતીકાલે શનિવારે સેન્સ પ્રક્રિયા યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ પ્રક્રિયાને પગલે ભાજપના વર્તુળોમાં ઉત્સુકતાની સાથે ભારે સસ્પેન્સ પણ ઊભું થયું છે.
નામોને લઈને આંતરિક સ્તરે જોરદાર લોબિંગ શરૂ
પ્રદેશ સંગઠન દ્વારા નિયુક્ત કરાયેલા ત્રણ નિરીક્ષકો ઉધના સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચીને અપેક્ષિતોના મત લેશે. સવારે 11 વાગ્યાથી શરૂ થનારી આ પ્રક્રિયામાં શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને તમામ 115 વિજેતા કોર્પોરેટરોને અલગ-અલગ મળીને તેમની પસંદગી જાણી લેવામાં આવશે. 11,300 કરોડનું વિશાળ બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકામાં ભાજપની આટલી મજબૂત બહુમતીને કારણે હવે પદવિતરણની પ્રક્રિયા વધુ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે.
પાર્ટી માટે વિવિધ સમાજ, ભૌગોલિક વિસ્તારો અને અનુભવી તથા નવા ચહેરાઓ વચ્ચે સંતુલન સાધવાની મોટી કસોટી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં લાંબા સમય બાદ મળેલી જીતને ધ્યાનમાં રાખીને પ્રતિનિધિત્વનો મુદ્દો અત્યારે ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે. મેયર અને સ્થાયી સમિતિ ચેરમેનના નામોને લઈને આંતરિક સ્તરે જોરદાર લોબિંગ ચાલી રહ્યું છે અને અનેક દાવેદારોએ પોતાના સમર્થકો મારફતે દાવો મજબૂત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે.
મહત્વની વાત એ છે કે અત્યાર સુધી ભાજપમાં મંત્રીમંડળ કે સંગઠનના હોદ્દાઓ માટે જ સેન્સ લેવાની પરંપરા હતી, પરંતુ મહાનગરપાલિકાના મુખ્ય પદો માટે આ પ્રકારની પ્રક્રિયા પહેલીવાર હાથ ધરાઈ રહી છે. સ્થાનિક સ્તરે ચૂંટાયેલા પ્રતિનિધિઓના અભિપ્રાયને મહત્વ આપવા માટે આ નવું મોડલ અપનાવવામાં આવ્યું હોવાનું મનાય છે.
આ સમગ્ર પ્રક્રિયાના અંતે તૈયાર થયેલો રિપોર્ટ પ્રદેશ ભાજપ સમક્ષ મોકલાશે, જ્યાંથી આખરી મંજૂરી મળશે. શહેર ભાજપ સંગઠન દ્વારા આ સેન્સ પ્રક્રિયાને લઈ તડામાર તૈયારીઓ કરી દેવાઇ છે અને આવતીકાલની આ કાર્યવાહી બાદ સુરતનું રાજકીય ચિત્ર સ્પષ્ટ થશે તેવી સંભાવના છે.
ચૂંટણીના પરિણામના માત્ર 48 કલાકમાં ગેઝેટ પ્રસિદ્ધ
સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજ્ય સરકારે વહીવટી ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી ઝડપી કાર્યવાહી કરી સૌને ચોંકાવી દીધા છે. સામાન્ય રીતે ચૂંટણી બાદ ગેઝેટ પ્રસિદ્ધ થવામાં જે પ્રક્રિયા દિવસો સુધી ચાલતી હતી. તે આ વખતે માત્ર 48 કલાકમાં જ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સુરત મહાનગર પાલિકાના નવા ચૂંટાયેલા કોર્પોરેટરોના નામ અને વોર્ડ નંબર સાથેનું ગેઝેટ ગુરૂવારે પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું હતું.
આ સાથે જ હવે સુરતના રાજકારણમાં નવા સમીકરણો અને હોદાઓની વહેંચણી માટેની હલચલ તેજ બની છે. વહીવટી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાંધીનગરથી આ ગેઝેટની અધિકૃત નકલ આગામી બે થી ત્રણ દિવસમાં સુરત મ્યુનિસિપલ કમિશનરને મોકલી આપવામાં આવશે. કમિશનરને કોપી મળ્યા બાદ તુરંત જ નિયમ મુજબ પ્રથમ સામાન્ય સભા બોલાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
