Rent A Garba Partner Post Viral: સોશિયલ મીડિયામાં "Rent A Garba Partner" નામની પોસ્ટ વાયરલ થઇ રહી છે ત્યારે સુરતમાં સાંસદ મુકેશભાઈ દલાલએ સુરત પોલીસ કમિશ્નરને પત્ર લખીને આ મામલે તપાસની માંગ કરી છે. આ ઉપરાંત તેમણે નવરાત્રીના આયોજકોને ખેલૈયાઓની આઈડી ચેક કરીને જ પ્રવેશ આપવા રજૂઆત કરી છે.
નવરાત્રી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ખેલૈયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં Rent A Garba Partner" નામની પોસ્ટ વાયરલ થઇ રહી છે. ત્યારે આ મામલે સુરતમાં સાંસદ મુકેશભાઈ દલાલએ સુરત પોલીસ કમિશ્નરને પત્ર લખી સમગ્ર મામલે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઉપરાંત નવરાત્રીમાં આયોજકોને ફરજિયાતપણે આઈડી કાર્ડ ચેક કરીને માત્ર અને માત્ર સનાતન ધર્મના લોકોને જ ગરબામાં પ્રવેશ આપવો જોઈએ તેવી માંગ કરી છે.
સાસંદ મુકેશભાઈ દલાલએ સુરત પોલીસ કમિશ્નરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે નવરાત્રી હિન્દુ સમાજ માટે શ્રદ્ધા અને ભક્તિનું પર્વ છે. આ પર્વ દરમિયાન લોકો માતાજીની આરાધના કરવા તેમજ યુવાનો-યુવતીઓ ગરબામાં ભાગ લેવા મોટી સંખ્યામાં જોડાય છે.આ પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા પર “Rent A Garba Partner" નામથી એક પોસ્ટ પ્રસારિત થઈ રહી છે, જેમાં ગોલ્ડ 21,500, સિલ્વર 21,000 અને પ્લોટિનિયમ રૂ.2,000 જેવા વિવિધ પેકેજ દર્શાવવામાં આવ્યા છે. આ પોસ્ટમાં ગરબા માટે પાર્ટનર સાથે ડાન્સ, ફોટા, રીલ્સ સહિતની વિવિધ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સાંસદ મુકેશ દલાલે પોલીસ કમિશનરને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ રહેલી આ પોસ્ટની સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવે. પોસ્ટ પાછળના વ્યક્તિઓ/સંસ્થાની ઓળખ કરવામાં આવે તથા જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ, છેતરપિંડી અથવા લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ જણાય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ સાંસદએ નાગરિકોને પણ સોશિયલ મીડિયા પર આવી કોઈ અજાણી ઓફરથી પ્રભાવિત થઈને ચકાસણી કર્યા વગર ઓનલાઈન પેમેન્ટ ન કરવા અને શંકાસ્પદ જણાય તો પોલીસ અથવા સાયબર ક્રાઈમનો સંપર્ક કરવા અપીલ કરી છે.
સાંસદ મુકેશભાઈ દલાલએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં રેન્ટ પાર્ટનર નામની પોસ્ટ ચાલતી હતી જેના પર મારું ધ્યાન ગયું હતું અને કેટલાક લોકોએ મને ટેલીફોન દ્વારા પણ જાણ કરી હતી કે આ પોસ્ટની પાછળ બદઈરાદો અને ગુનાહિત કાવતરું છે એવું દેખાય રહ્યું છે. કદાચ બની શકે કે સનાતન ધર્મના યુવાન યુવતીઓને અન્ય ધર્મના લોકો દ્વારા ફસાવવાનું કાવતરું હોય શકે અથવા સાયબર ક્રાઈમના ગુનેગારો દ્વારા યુવાન યુવતીઓના બેંક બેલેન્સ ખાલી કરાવવાનું પણ કાવતરું હોય શકે. આથી મેં પોલીસ કમિશ્નરને એક પત્ર લખીને એક તાકીદ કરી છે કે, આ પોસ્ટ કોણ મૂકી છે એની પાછળ કોણ કોણ છે, કેટલા લોકો છે અને તેમના ઈરાદા શું છે, એ લોકોને ઓળખીને એ લોકોની તપાસ કરવામાં આવે અને જો એ લોકોના બદઈરાદા હોય તો તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
વધુમાં જણાવ્યું હતું કે મારો સ્પસ્ટ અભિપ્રાય છે કે સનાતન ધર્મ માટે આયોજકો નવરાત્રીનું આયોજન કરે છે અને તેથી આયોજકોની જ જવાબદારી બની જાય છે કે આઇડેન્ટિટી ચેક કરીને માત્ર ને માત્ર સનાતન ધર્મના જ યુવાન અને યુવતીઓને પ્રવેશ આપવામાં આવે એ વાત ખુબ સ્પસ્ટ છે. તો જ હિંદુ ધર્મની દીકરીઓની રક્ષા થશે તે જોવાની આયોજકોની ફરજ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે જોયું છે કે ભૂતકાળમાં આવા અનેક કિસ્સા બની ચુક્યા છે અને ધારો કે બીજા કોઈ ધર્મના યુવાનોને આ ગરબાનો ખુબ શોખ છે તે અમારો સંપર્ક કરે. અમારે અમારા મહોલ્લામાં ગરબાનું આયોજન કરવું છે તો એના મહોલ્લામાં આયોજન કરે.જેથી ત્યાના દીકરા દીકરીઓ પણ ગરબાની મજા માણે એમાં અમને ક્યાં વાંધો છે. આ વર્ષે હિંદુ દીકરા દીકરીઓને સચેત કરવા માટે કહું છું.
