Surat: 70 લાખથી વધુ આબાદી ધરાવતું દેશનું પ્રથમ 'સ્લમ ફ્રી' શહેર બનવાની દિશામાં સુરત અગ્રેસર

PM મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મહાનગરોને સ્લમ ફ્રી બનાવવા કરેલી પહેલના સકારાત્મક પરિણામ મળ્યા. બે દાયકામાં શહેરની ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતી વસતી 38 ટકાથી ઘટી 5 પર પહોંચી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 31 Dec 2025 09:37 PM (IST)Updated: Wed 31 Dec 2025 09:37 PM (IST)
surat-moving-towards-becoming-the-first-slum-free-city-of-the-country-with-a-population-of-more-than-70-lakhs-665691
HIGHLIGHTS
  • સુરતની તર્જ પર રાજ્યના અન્ય શહેરોને પણ સ્લમ ફ્રી બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરવા મુખ્યમંત્રીની સૂચના
  • માત્ર 10 લાખની વસતી ધરાવતું ચંદીગઢ દેશનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર

Gandhinagar: જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે રાજ્યના નગરો-મહાનગરોને સ્લમ ફ્રી એટલે કે, ઝૂંપડપટ્ટી મુક્ત શહેરો બનાવવા માટે એક મહત્વકાંક્ષી પહેલ કરી હતી. વર્ષ 2006માં સુરતની લગભગ 38 ટકા આબાદી ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતી હતી.

ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા આ નાગરિકોનું જીવન ધોરણ ઊંચું લાવીને શહેરમાં સ્લમ વિસ્તાર ઘટાડવા વડાપ્રધાને છેલ્લા બે દાયકામાં અનેકવિધ પ્રયાસો કર્યા છે. જેના પરિણામ સ્વરૂપે આજે સુરતમાં ઝુપડપટ્ટીમાં વસવાટ કરતા નાગરિકોની સંખ્યા ઘટીને 5 ટકા સુધી પહોંચી છે. આથી સુરતમાં સ્લમ વિસ્તાર લગભગ નહિવત થવાના આરે છે અને સુરત રાજ્યનું પ્રથમ સ્લમ ફ્રી મહાનગર બને તેવા સાનુકૂળ સંજોગો ઊભા થયા છે.

આ અંગે વિગતો આપતાં ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ સાનુકૂળ પરિસ્થિતિને ધ્યાને લઈને સુરત શહેરને રાજ્યનું પ્રથમ સ્લમ ફ્રી મહાનગર કેવી રીતે બનાવી શકાય તે દિશામાં ચર્ચા-વિચારણા કરીને પરિણામલક્ષી કામગીરી કરવા માટે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ સનદી અધિકારીઓને નિર્દેશ આપ્યો છે.

સુરત શહેર જો આ સિદ્ધિ પ્રાપ્ત કરશે, તો સુરત ભારતનું પ્રથમ મોટું સ્લમ ફ્રી શહેર બનશે. જો કે ચંદીગઢ દેશનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર હોવાનું ગૌરવ ધરાવે છે, પરંતુ તેની વસ્તી લગભગ 10 લાખ છે. જેની સરખામણીમાં સુરતની વસ્તી આશરે 70 થી 80 લાખ છે, જે આ સિદ્ધિને વ્યાપ અને જટિલતાની દ્રષ્ટિએ વધુ નોંધપાત્ર બનાવશે.

આ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ સુરતની જ તર્જ પર તબક્કાવાર રાજ્યના અન્ય નગરો અને મહાનગરોને પણ સ્લમ ફ્રી બનાવવાની દિશામાં અત્યારથી જ પરિણામલક્ષી કામગીરી હાથ ધરવા માટે સૂચનાઓ આપી હતી.