સુરતમાં કરુણાંતિકા: મોટા વરાછાના પિતાએ દિવ્યાંગ પુત્ર સાથે કેનાલમાં ઝંપલાવ્યું, બે અલગ કેનાલમાંથી મળ્યા મૃતદેહ

સુરતના મોટા વરાછામાં રહેતા પિતા અને તેમના 19 વર્ષીય દિવ્યાંગ પુત્રના મૃતદેહ અલગ-અલગ કેનાલમાંથી મળી આવ્યા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 25 Oct 2026 02:15 PM (IST)Updated: Sun, 25 Oct 2026 02:15 PM (IST)
surat-mota-varachha-father-disabled-son-bodies-found-in-canal

Surat Suicide News: સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા પિતા અને તેમના દિવ્યાંગ પુત્રના મૃતદેહ અલગ-અલગ સ્થળે આવેલી કેનાલમાંથી મળી આવતાં ચકચાર મચી ગઈ છે. બાંધકામ ક્ષેત્રે લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા પિતા અને તેમના 19 વર્ષીય પુત્રના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પ્રાથમિક તપાસમાં આર્થિક મુશ્કેલીઓ અને પુત્રની બીમારીને કારણે પિતાએ આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મોત પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે, જ્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

પિતા-પુત્ર બાઈક લઈને નીકળ્યા

મળતી વિગતો અનુસાર, સુરતના મોટા વરાછા સ્થિત અબ્રામા રોડ પર આવેલા તીર્થ હેરિટેજમાં રહેતા 49 વર્ષીય વિપુલભાઈ ભાનુભાઈ લાઠીયા બાંધકામ સાઇટ પર લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. બે દિવસ પહેલાં સાંજના સમયે તેઓ પોતાના 19 વર્ષીય પુત્ર દર્શનને સાથે લઈને બાઈક પર ઘરેથી નીકળ્યા હતા. તેમણે ઘરે એવું જણાવ્યું હતું કે તેઓ મજૂરોને કપડાં આપવા જઈ રહ્યા છે.મોડી રાત સુધી બંને ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. સગાં-સંબંધીઓ અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવા છતાં કોઈ માહિતી ન મળતાં ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરવામાં આવી હતી.

બંનેના મૃતદેહ કેનાલમાંથી મળ્યા

આ દરમિયાન ઉમરા-વેલંજા રોડ પર કઠોર ગામ નજીક કાકરાપાર કેનાલ પાસે વિપુલભાઈનું સ્કૂટર બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. વાહન મળી આવતાં પિતા-પુત્ર કેનાલમાં પડ્યા હોવાની આશંકા ઊભી થઈ હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન કઠોર ગામ નજીકથી વિપુલભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ સાંજે આશરે સાત વાગ્યે ઓલપાડના સાયણ આઉટ પોસ્ટ નજીક આવેલી કેનાલમાંથી તેમના પુત્ર દર્શનનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આર્થિક સંકડામણના લીધે આપઘાત કર્યાની આશંકા

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વિપુલભાઈ છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હતા. બીજી તરફ, તેમનો પુત્ર દર્શન જન્મથી જ બોલવા અને સાંભળવામાં અસમર્થ હતો તેમજ તેને માનસિક તકલીફ પણ હતી.આર્થિક ભીંસ અને પુત્રની તબિયતને લગતી ચિંતાઓના કારણે પિતાએ પુત્ર સાથે કેનાલમાં ઝંપલાવ્યું હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત થઈ રહી છે. સાચી હક્કિત પોલીસ તપાસ બાદ જ સામે આવશે. પિતા અને પુત્રના એકસાથે થયેલા મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે ઉત્રાણ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.