સુરતમાં 20 દિવસમાં મચ્છરોના 22 હજારથી વધુ બ્રીડિંગ મળ્યા, ડેન્ગ્યુ-મેલેરિયાની માહિતી 24 કલાકમાં આપવા હોસ્પિટલ-લેબોરેટરીને કડક સૂચના

ચોમાસા બાદ સુરતમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા મનપાના VBDC વિભાગે 20 દિવસમાં 22,000થી વધુ બ્રીડિંગ શોધી કાર્યવાહી કરી. ડેન્ગ્યુ-મલેરિયાના કેસની સમયસર જાણકારી માટે હોસ્પિટલોને 24 કલાકમાં રિપોર્ટ કરવા સૂચના અપાઈ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 24 Oct 2026 05:56 PM (IST)Updated: Sat, 24 Oct 2026 05:56 PM (IST)
surat-mosquito-breeding-over-22000-breeding-sites-found-in-20-days-mandatory-24-hour-dengue-reporting-issued

Surat: ચોમાસાની વિદાય બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાની ફરિયાદો સામે આવતાં સુરત મહાનગરપાલિકાનો વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ (VBDS) વિભાગ સક્રિય થયો છે. મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે શહેરભરમાં તપાસ હાથ ધરવાની સાથે ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગોના કેસ પર નજર રાખવા માટે પણ તંત્રએ પગલાં લીધાં છે.

સુરત મનપાએ ખાનગી હોસ્પિટલો, ક્લિનિકો, લેબોરેટરીઓ સહિત મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલાં એસોસિએશનોને દર્દીઓમાં ડેન્ગ્યુ કે મલેરિયાના કેસ નોંધાય તો 24 કલાકની અંદર તેની જાણ પાલિકાને કરવા સૂચના આપી છે. આ અંગે સંબંધિત સંસ્થાઓને ઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવી છે.

મનપાના VBDC વિભાગે 1થી 20 ઓક્ટોબર દરમિયાન શહેરના તમામ ઝોનમાં તપાસ અભિયાન ચલાવ્યું હતું. આ કામગીરી દરમિયાન કુલ 13,37,757 ઘરોની તપાસ કરવામાં આવી હતી, જેમાં મચ્છરોના 22,180 બ્રીડિંગ મળી આવ્યાં હતાં. વિભાગે આ સ્થળોએ મચ્છરોની ઉત્પત્તિનો નાશ કરવાની કાર્યવાહી કરી હતી. બેદરકારી દાખવનારા 3,495 લોકોને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે ગંદકી અને મચ્છરોના ઉત્પત્તિસ્થળો બદલ કુલ રૂ. 13,05,600નો વહીવટી ખર્ચ વસૂલવામાં આવ્યો હતો.

શહેરમાં ચાલી રહેલાં બાંધકામોમાં પાણી ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે કન્સ્ટ્રક્શન સાઇટોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કુલ 821 બાંધકામ સ્થળોના સર્વેમાં 409 સાઇટ પર મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યાં હતાં. આ મામલે 197 ડેવલપરોને નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યારે 150 લોકો પાસેથી રૂ. 5,01,200નો વહીવટી ખર્ચ વસૂલવામાં આવ્યો હતો.

નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા ગરબાના ડોમ, થિયેટરો અને શોપિંગ કોમ્પ્લેક્સ સહિતનાં સ્થળોએ પણ વીબીડીસી વિભાગે તપાસ કરી હતી. આ અભિયાન દરમિયાન 31 સ્થળોએ મચ્છરોના બ્રીડિંગ મળી આવતાં તેનો નાશ કરવામાં આવ્યો હતો. સાથે જ 11 લોકોને નોટિસ આપીને રૂ. 14,500નો વહીવટી ખર્ચ વસૂલાયો હતો.

મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવાની કામગીરીની સાથે મનપાએ ડેન્ગ્યુ અને મલેરિયાના કેસની માહિતી સમયસર મેળવવા પર ભાર મૂક્યો છે. ડેન્ગ્યુ અને મલેરિયાના કેસોની સમયસર જાણકારી મળી રહે અને જરૂરી પગલાં લઈ શકાય તે હેતુથી તમામ ખાનગી તબીબી સંસ્થાઓને ૨૪ કલાકમાં કેસની વિગતો આપવા જણાવાયું છે.