બાળકો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા ગ્રામજનો! સુરતના ઝંખવાવમાં જમીન સંપાદન સામે ઉગ્ર વિરોધ, 23 કુટુંબોને બેઘર થવાનો ભય

સુરતના ઝંખવાવ ગામે સરકારી પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સામે ઉગ્ર વિરોધ. 23 પરિવારના 93 લોકો વિસ્થાપિત થવાના ડરે નાના બાળકો સાથે સુરત કલેક્ટર કચેરી પહોંચી આવેદન આપ્યું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 05 Oct 2026 02:51 PM (IST)Updated: Mon, 05 Oct 2026 02:51 PM (IST)
surat-mangrol-jankhvav-land-acquisition-protest-families-collector-office-demand

Surat News: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે સરકારી પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનો વિરોધ કરવામાં આવ્યો છે. સુરત કલેકટર કચેરી ખાતે અસરગ્રસ્ત લોકો પોતાના પરિવાર અને બાળકો સાથે પહોચ્યા હતા. અને વિવિધ બેનરો સાથે વિરોધ નોંધાવવા સાથે કલેકટરને આવેદન પત્ર આપી આ જમીનનું સંપાદન રોકવામાં આવે તેવી માંગ કરી છે.

જમીન સંપાદન અંગે ગામલોકોનો વિરોધ

રણજીતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ઝંખવાવ ગામે સર્વે નંબર 111, 112 અને 113ની જમીન છે. ભૂતકાળમાં આ જમીન છ વખત સરકારી કામના નામે જમીન સંપાદન થયેલી છે. તે સિવાય જૂનો નેશનલ હાઇવે 56 અને કોસંબા-ઉમરપાડા રેલવે લાઈન એ આ જમીનમાંથી જ ગઈ છે. આ ઉપરાંત નજીકના ગામોને જોડતા આંતરિક રસ્તાઓ અને જેટકોની વીજ લાઈન અમારી જમીનમાંથી પસાર થઇ રહી છે.

કચેરીએ બાળકો સાથે લોકો પહોંચ્યા

વર્ષ 2022થી નેશનલ હાઈવે નંબર 56નું જાહેરનામું બહાર પડ્યું તે પછી વર્ષ 2024માં કોસંબા ઉમરપાડા રેલ્વે લાઈનને સીધી કરવા માટે જાહેરનામું બહાર પડ્યું હતું. એ પછી અમારા ત્રણ સર્વે નંબરની જમીનમાંથી જ બાયપાસ કરવા અંગેની કાર્યવાહી ચાલી રહી છે. જેના વિરોધમાં જમીન સંપાદન રોકવામાં આવે તે માટે અમે કલેક્ટરને આવેદન આપવા માટે આવ્યા છીએ.

લોકોને બેઘર થવાનો ભય

રણજીતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, જમીન સંપાદનના લીધે અમારા પરિવારો પર અસર થઈ રહી છે. 6 હેક્ટરની જમીનમાં 17 મકાનો છે. જેમાં 23 કુટુંબ અને 93 લોકો ફળિયામાં રહે છે. જો જમીન સંપાદન થયું તો અમારા ઘર અને જમીન વિસ્થાપિત થઈ જશે, જમીનના નાના નાના ટુકડા થઈ જશે, આ જમીન પર અમે ન તો રહી શકીએ કે ખેતી કરી શકીએ.

આજે સરકારી અને ખાનગી સેક્ટરમાં અમારી પાસે નોકરી નથી. આ જમીન બચશે તો અમારી આજીવિકા ચાલશે. અમારા બાળકોના ભવિષ્યનો વિચાર કરીને તેમની સાથે અમે આવેદનપત્ર સોંપવા આવ્યા છીએ. જેથી જમીન સંપાદનની કામગીરી અટકે.