સુરત: મહિધરપુરામાં દાગીના બનાવતો બંગાળી કારીગર 1 કરોડથી વધુનું સોનું લઈને ફરાર, વેપારીએ ફરિયાદ નોંધાવી

સુરતના મહિધરપુરામાં દાગીના બનાવતો બંગાળી કારીગર 659.886 ગ્રામ 24 કેરેટ સોનું, અંદાજે રૂ.1 કરોડથી વધુની કિંમતનું સોનું લઈને ફરાર થયો. વેપારીએ સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 16 Sep 2026 03:25 PM (IST)Updated: Wed, 16 Sep 2026 03:25 PM (IST)
surat-mahidharpura-bengali-craftsman-1-crore-gold-fraud

Surat News: સુરતમાં સોના ચાંદીના વેપાર કરતાં એક જ્વેલર્સ સાથે છેતરપિંડી થયાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળનો એક કારીગર વેપારીને સોનાનો ઘાટ બનાવી આપવાનું કહીને આશરે 1 કરોડથી વધુની કિંમતનું 659.886 ગ્રામ 24 કેરેટ શુદ્ધ સોનું લઈને ફરાર થઈ ગયો છે. આ મામલે વેપારીએ સરથાણા પોલીસ મથકમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.

કારીગરે વેપારીને વિશ્વાસમાં લીધા

મળતી માહિતી મુજબ, મૂળ ગીર સોમનાથના ગીર ગઢડાના તાલુકાના વતની અને હાલમાં સુરતના સરથાણા વ્રજચોક પાસે રહેતા સંદીપભાઈ સવજીભાઈ લીંબાણી પિતરાઈ ભાઈ સાથે ભાગીદારીમાં જવેલર્સનો વેપાર કરે છે. એક વર્ષ અગાઉ પિતરાઈ ભાઈના મિત્ર હર્ષ ચોક્સીની ઓળખાણથી બીલ્ટુ બલરામ સામંતા દુકાને આવ્યો હતો. આરોપીએ વેપારીને સોનાનો વેપાર કરતો હોવાનું જણાવી વિશ્વાસમાં લીધા હતા.

આરોપી વેપારીના દાગીના બનાવતો

ત્યાર બાદ આરોપીએ જણાવ્યું કે, તેની પાસે સારી ડિઝાઈન બનાવી આપે તેવા કારીગરોનું ગ્રુપ છે. તેમજ થોડા સમયમાં મહીધરપુરા ખાતે કારખાનું શરુ કરવાનો છે. આમ તેણે પોતાના ફોનમાં સોનાના કામકાજને લગતાં ફોટો વેપારીને બતાવ્યા હતા. બાદમાં આરોપીએ 1 એપ્રિલના રોજ મહિધરપુરા જદાખાડી ખાતે ઓફીસ રાખી ત્યાં દાગીના બનાવવાનું શરુ કર્યું હતું. જેથી વેપારી સંદીપભાઈ તેને 24 કેરેટ શુદ્ધ સોનું દાગીના બનાવવા માટે આપતા હતા અને બીલ્ટુ બલરામ સામંતા દાગીના બનાવીને આપી જતો હતો

1 કરોડનું સોનું લઈને આરોપી ફરાર થયો

જોકે, છેલ્લા થોડા દિવસથી બીલ્ટુ બલરામ સામંતા વાયદા કરતો હોય સંદીપભાઈએ તેની ઓફિસે તપાસ કરતા ઓફિસે તાળું હતું. તે ફોન પણ ઉપાડતો ન હતો. આરોપી પાસે વેપારીનું અંદાજે 1 કરોડથી વધુની કિંમતનું સોનું હતું. આરોપીનો ફોન બંધ આવતો હોવાથી ભાઈના મિત્ર હર્ષ ચોક્સીને જાણ કરી હતી.

આરોપી સામે વેપારીએ નોંધાવી ફરિયાદ

ગત 26 ઓગસ્ટના રોજ આરોપીએ ફોન કરીને તેના કારીગરો અને પોતે વતન ગયા છે. વતનથી પરત આવ્યા બાદ દાગીના બનાવી આપશે તેમ વેપારીને જણાવ્યું હતું. જોકે વાયદા પ્રમાણે આરોપી પાછો ફર્યો નહોતો. આથી વેપારી સંદીપભાઈએ આરોપી બીલ્ટુ બલરામ સામંતા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.