Surat Lawyers Protest: ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં રાજ્યના વકીલો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. સુરતમાં પણ વકીલો આ હડતાલમાં જોડાયા છે. સુરત કોર્ટ બહાર મોટી સંખ્યામાં વકીલોએ એકઠા થઈને સૂત્રોચ્ચાર કરીને ગુજરાત ભાડા વિધેયકનો વિરોધ કર્યો હતો. સુરતમાં નોંધાયેલા 9 હજારથી વધુ વકીલો સવારથી જ આ પ્રોટેસ્ટમાં જોડાયા છે.
સુરત સિટી બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ એડવોકેટ નીલકંઠભાઈબારોટએ જણાવ્યું હતું કે, ભાડા વિધેયકનો વિરોધ કરવા માટે સૌ વકીલો અહી એકઠા થયા છે, ભાડા કરાર અને ભાડા કબજાના જે કોઈ દાવાઓ છે એનો નિર્ણય કરવાની સત્તા અત્યાર સુધી જ્યુડિશિયલ તંત્ર પાસે હતી. જ્યુડીશીયલ એવો સ્તંભ છે જે પારદર્શક છે, ત્યારે આવા ભાડા કરારના જે કઈ પ્રશ્નો હશે તેનો નિર્ણય કરવાની સત્તા કલેકટર હેઠળના તાબાના અધિકારીઓને આપવામાં આવશે ત્યારે ઘણી બધી વિસંગતા ઉભી થવા જઈ રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, બંધારણમાં પણ લખ્યું છે કે કાયદાનો કોઈ પ્રશ્ન કે મુદ્દો હોય તો એનો નિર્ણય અને નિકાલ કરવાની સત્તા માત્ર ને માત્ર જ્યુડીશીયલ તંત્રને આપવામાં આવે છે, મારું એવું સ્પષ્ટ માનવું છે કે આ બંધારણ વિરુદ્ધની વાત છે અને વકીલોપક્ષકારોના હિતમાં આ પ્રોટેસ્ટ કરી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આમાં પક્ષકારોને ઘણી બધી મુશ્કેલીઓ ઉભી થવાની સંભાવના છે. કારણ કે, કાયદાનો કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય ત્યારે કાયદાના સંપૂર્ણ જાણકાર વ્યક્તિ એનો નિર્ણય લે તે અતિ આવશ્યક છે. જ્યારે જ્યુડીશીયલ સીસ્ટમમાં એક પ્રોસેસ છે, જજ બનાવામાં એક લાયકાત અને અનુભવ છે તથા પછી જ્યારે એ જ્યુડિશયલીમાં જાય છે ત્યારે કાયદાના કોઈ મુદ્દાનો સંપૂર્ણ અભ્યાસ કરીને નિર્ણય લે છે.
જ્યારે એડમિનિસ્ટ્રેટરને આ બધી કોઈ માહિતી હોતી નથી, કોઈ અનુભવ હોતો નથી અને એ જ્યારે આ બધા નિર્ણય લેવા જશે ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થશે. વિસંગતતા ઉભી થશે. તેથી જ સૌ વકીલ મિત્રો પક્ષકારોના પક્ષમાં આ પ્રોટેસ્ટ કરી રહ્યા છે. સુરતમાં નોંધાયેલા 9 હજારથી વધુ વકીલો સવારથી જ આ પ્રોટેસ્ટમાં જોડાયા છે, સાથે સાથે ગુજરાતના તમામ બાર એસોસિએશન આમાં અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા છે.
