Surat Labh Pancham 2026: દિવાળીના તહેવાર બાદ આજે લાભ પાંચમના પવિત્ર દિવસે વેપાર-ધંધાની નવી શરૂઆત થઈ રહી છે. હિન્દુ ધર્મમાં લાભ પાંચમનું વિશેષ ધાર્મિક અને વ્યાપારી મહત્ત્વ છે. આ દિવસે શુભ મુહૂર્તમાં નવા ચોપડાનું પૂજન કરી વેપારીઓ નવા વર્ષના હિસાબ-કિતાબ અને વેપારની શરૂઆત કરે છે.
વેપારીઓએ લાભ પાચમે પૂજા અર્ચના કરી
દિવાળી બાદ લાભ પાંચમને વેપાર-ધંધા માટે અત્યંત શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે અનેક વેપારીઓ પોતાની દુકાનો, ઓફિસો અને વ્યવસાયિક સંસ્થાઓનું પૂજન કરીને ફરીથી કામકાજ શરૂ કરે છે. નવા વર્ષમાં ધંધામાં પ્રગતિ, સમૃદ્ધિ અને વધુ લાભ થાય તેવી પ્રાર્થના સાથે વેપારીઓ લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા-અર્ચના કરે છે.
લાભ પાંચમે ધંધા-રોજગારનો પ્રારંભ
સુરતમાં પણ લાભ પાંચમના પર્વને લઈને વેપારી આલમમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જ્વેલર્સ સહિતના વિવિધ વેપારીઓએ પોતાના ધંધા-રોજગારનો પ્રારંભ કર્યો છે. નવા ચોપડાનું પૂજન કરીને વેપારીઓએ નવા નાણાકીય વર્ષના હિસાબની શરૂઆત કરી છે. લાભ પાંચમના પવિત્ર અવસરે વેપારીઓએ આગામી વર્ષ ધંધા-રોજગારમાં પ્રગતિ, આર્થિક સમૃદ્ધિ અને સુખ-શાંતિભર્યું રહે તેવી મનોકામના વ્યક્ત કરી છે.
લગ્નસરાની સીઝનને પગલે ખરીદી
સુરતમાં આજથી જ્વેલર્સો પણ શરુ થયા છે. આગામી સમયમાં લગ્નસરાની સીઝન શરૂ થાય છે. ત્યારે લોકો શુભ શરુઆત માનીને ખરીદીની શરુઆત કરતા હોય છે, જવેલર્સ વીરેનભાઈ ચોકસીએ જણાવ્યું હતું કે આજનો શુભવંતો દિવસ લાભ પાંચમ છે, દર વર્ષે અમે લોકો વેકેશન પૂર્ણ કરીને આજના દિવસે શુભ શરૂઆત કરતા હોય છે,
ઘણા બધા મુહૂર્ત હોય છે એ મુહૂર્ત સાચવીને આજથી શુભ શરૂઆત કરીએ છીએ, ઘણા બધા ગ્રાહકો અગાઉથી બુકિંગ કરીને આજે ખાસ ડિલિવરી લેતા હોય છે, આગામી સમયમાં લગ્નસરાની સીઝન શરૂ થાય છે ત્યારે આજથી લોકો શુભ શરુઆત માનીને ખરીદીની શરુઆત કરતા હોય છે,
સોના-ચાંદીનો ભાવ ઘટતાં ગ્રાહકોને ફાયદો
તેમણે વધુમાં જણાવ્યું કે સોનામાં સુગંધ ભળે તે રીતે સોના અને ચાંદીના ભાવમાં હાલમાં ઘટાડો થયો છે. 1 લાખ 40 હજાર 800 તે જ રીતે ચાંદી પણ 1 લાખ 80 હજારની આસપાસ ભાવ થયો છે, ભાવ ઘટાડાને લઈને ગ્રાહકોને ખાસો એવો ફાયદો થાય છે, આવતા વર્ષે સોના અને ચાંદીના ભાવમાં ભાવ વધારો થવાની શક્યતા પણ છે, હાલ જે ભાવ ઘટાડો થયો છે ત્યારે ખરીદી કરવા માટે આ ઉતમ તક છે.
