Surat News: સુરતના સારોલી વિસ્તારમાં આવેલી કુબેરજી વર્લ્ડ ટેક્સટાઈલ માર્કેટમાં લિફ્ટમાં 6 લોકો ફસાઈ ગયા હતા, જે બાદ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને લીફ્ટમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
મળતી માહિતી મુજબ, સુરતના સારોલી વિસ્તારમાં કુબેરજી વર્લ્ડ ટેક્સટાઈલ માર્કેટ આવેલ છે. માર્કેટમાં આવેલી લિફ્ટ ગ્રાઉન્ડ અને બેઝમેન્ટ વચ્ચે ટેકનિકલ કારણોસર બંધ પડી ગઈ હતી. આ લિફ્ટમાં 6 લોકો સવાર હતા. લિફ્ટ બંધ પડી જતા સવાર 6 લોકો અંદર ફસાઈ ગયા હતા. લિફ્ટ અધવચ્ચે અટકી જતાં અંદર સવાર લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા.
બીજી તરફ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી, જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે અડધો કલાકની અંદર જ લીફ્ટમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી, જેથી તમામ લોકો અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલા નાગરિકોમાં કૈલાશચંદ (ઉં.વ. 46), ભુવનેશ (ઉં.વ. 17), રાજકુમાર ગુપ્તા (ઉં.વ. 46), રાધવ (ઉં. વ. 18), મનીષભાઈ (ઉં.વ. 46) અને રાજુભાઈ (ઉં.વ. 58) નો સમાવેશ થાય છે. ભારે જહેમત બાદ લિફ્ટમાંથી તમામને સહી સલામત બહાર કાઢ્યા હતા.
