Surat Triple Murder Case: સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં ચાર વર્ષ પહેલા પતિ-પત્નીએ મળીને પોતાની જ સાસુ/માતા, નાની અને બહેનની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. ત્યારબાદ બીમારી અને કોરોનાનું ખોટું નાટક રચીને ત્રણેય મૃતદેહોને ઘરમાં જ દફનાવી દીધા હતા. જાણો, પોલીસે કેવી રીતે કર્યો આ ટ્રિપલ મર્ડર કેસનો પર્દાફાશ થયો છે.
કોસંબામાં ખેલાયો ખૌફનાક ખૂની ખેલ
સુરત જિલ્લાના કોસંબા વિસ્તારના વડફાળિયામાંથી એક ખૌફનાક કેસ સામે આવ્યો છે, જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. આ ઘટનામાં મુખ્ય આરોપી પતિ માધવદાસ અને તેની પત્ની ઉર્મિલાએ મળીને પોતાના પરિવારની ત્રણ મહિલાની હત્યા કરી અને કુદરતી મૃત્યુ કે કોરોનાનો ડ્રામા રચીને આ કાળું રહસ્ય દબાવી દીધું હતું. જોકે, 4 વર્ષ પછી પોલીસે ઘરના આંગણામાં ખોદકામ કરીને માનવ કંકાલ જપ્ત કર્યા છે.
કોની કોની હત્યા કરવામાં આવી હતી?
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ કાવતરા પાછળ મુખ્ય આરોપી પતિ માધવદાસ અને તેની પત્ની ઉર્મિલા છે. જે ત્રણ મહિલાની હત્યા કરવામાં આવી હતી, તેઓ તેમના જ પરિવાર સાથે જોડાયેલી હતી.
- ભગવતીબેન વસાવા: આરોપી ઉર્મિલાની સગી બહેન.
- શાંતાબેન ગંભીરભાઈ વસાવા: આરોપી ઉર્મિલાના નાની.
- મંજુલાબેન ભક્તિરામ સાધુ: આરોપી માધવદાસના માતા
કેવી રીતે રચાયું ખૌફનાક હત્યાનું કાવતરું?
આરોપી પતિ-પત્નીએ આયોજનબદ્ધ રીતે એક પછી એક ત્રણેય મહિલાની તકિયા વડે મોઢું દબાવીને હત્યા કરી હતી.
પહેલી હત્યા (25 ફેબ્રુઆરી 2022): માધવદાસ અને તેની પત્ની ઉર્મિલાએ મળીને ઉર્મિલાની બહેન ભગવતીબેનનું તકિયાથી મોઢું દબાવીને હત્યા કરી દીધી હતી. ભગવતીબેન પહેલેથી જ TB બીમારીથી પીડાતા હતા. આ બાબતનો ફાયદો ઉઠાવીને આરોપીઓએ બીમારીથી સ્વાભાવિક મોત થયું હોવાનું રટણ કરી મૃતદેહને દફનાવી દીધો હતો.
બીજી હત્યા (19 જુલાઈ 2022): આ વખતે માધવદાસે પોતાની સગી માતા મંજુલાબેનને નિશાન બનાવ્યા હતા. તેઓ લકવાના કારણે પથારીવશ હતા. દંપતીએ તેમનું પણ તકિયાથી મોઢું દબાવીને મોત નિપજાવ્યું અને બીમારીથી મોત દર્શાવીને તેમની અંતિમવિધિ કરી દીધી હતી.
ત્રીજી હત્યા (7 ઓક્ટોબર 2022): ઉર્મિલાની નાની શાંતાબેન ગંભીરભાઈ વસાવા ઊંઘી રહ્યા હતા, ત્યારે તેમને પણ આ જ રીતે મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.
ક્રૂરતાની તમામ હદો વટાવી, આંગણામાં દાટ્યા
શાંતાબેનની હત્યા કર્યા પછી આરોપીઓએ અત્યંત ક્રૂર રસ્તો અપનાવ્યો હતો. તેમણે મૃતદેહને એક મોટા ડ્રમમાં મૂક્યો અને તેમાં સિમેન્ટના ત્રણ કોથળા તથા પાણી નાખીને ડ્રમને સંપૂર્ણપણે સીલ કરી દીધું હતું. આશરે સાડા ત્રણ મહિના પછી તેમણે તે ડ્રમ ખોલ્યું અને સિમેન્ટના ભારે બ્લોક સાથે મૃતદેહને ઘરના આંગણામાં 4-5 ફૂટ ઊંડો ખાડો ખોદીને દાટી દીધો હતો.
કોઈને પણ શંકા ન જાય તે માટે તેની ઉપર સિમેન્ટનું જાડું પ્લેટફોર્મ) બનાવી દીધું હતું. સગા-સંબંધીઓ અને પડોશીઓને એવું જૂઠું બોલવામાં આવ્યું કે શાંતાબેનનું મૃત્યુ કોરોનાથી થયું છે અને તે સમયે કોરોનાના નિયમોનું બહાનું બતાવીને મામલો દબાવી દીધો હતો.
ઘર કંકાસમાં પતિ પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યો
ટ્રિપલ મર્ડરનું કાળું રહસ્ય ત્યારે બહાર આવ્યું જ્યારે પતિ માધવદાસ અને પત્ની ઉર્મિલા વચ્ચે ઘરેલુ ઝઘડો થયો હતો. પતિ માધવદાસ પોતાની પત્નીને ફસાવવાના ઈરાદાથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને કોસંબા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. તેણે પોલીસમાં એવી ફરિયાદ કરી કે તેની પત્ની ઉર્મિલા અને તેના પિતરાઈ ભાઈ અફઝલે મળીને નાની શાંતાબેનની હત્યા કરી છે.
પોલીસે જ્યારે પિતરાઈ ભાઈ અફઝલની પૂછપરછ કરી તો આ ગુનામાં તેની કોઈ સંલિપ્તતા સામે આવી ન હતી. જેના કારણે પોલીસની શંકા માધવદાસ પર ઘેરી બની હતી. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં માધવદાસ ભાંગી પડ્યો હતો. તેણે કબૂલાત કરી હતી કે પત્નીને ફસાવવા તેણે ખોટી વાર્તા ઘડી અને આ ત્રણેય હત્યામાં તે પોતે અને પત્ની બંને સામેલ હતા.
આંગણામાં ખોદકામ કરતા જ નરકંકાલ મળ્યા
માધવદાસની કબૂલાત અને નિશાનદેહીના આધારે કોસંબા પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે વડફાળિયા સ્થિત ઘરના આંગણામાં ખોદકામ શરૂ કર્યું હતું. જ્યારે 4-5 ફીટ નીચે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે માનવ કંકાલ મળી આવ્યા હતા. પોલીસે તમામ કંકાલોને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ચકાસણી માટે મોકલી આપ્યા છે. હાલમાં પોલીસ આ મામલે આગળની કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી રહી છે.
