Surat Kosamba Accident: સુરત જિલ્લાના કોસંબા પાસે નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતની ઘટના બની છે. લાઈટિંગનો સામાન ભરીને જતા આઈસરનું ટાયર ફાટતા ટેમ્પો પલટી મારી ગયો હતો. આ દુર્ઘટનામાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું, જ્યારે 6 લોકોને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, કામરેજ ગાય પગલા રોડ હિંદવા ડ્રિમ્સ પાસેથી લાઈટનો સામાન ભરી આઈસર ટેમ્પો ભરૂચની ઝાડેશ્વર ચોકડી તરફ જઈ રહ્યો હતો. ત્યાં લાઈટિંગનું કામ હોવાથી શ્રમિકો સામાન લઈને નીકળ્યા હતા. આઈસર કોસંબા નજીક પહોંચ્યો ત્યારે અચાનક વાહનનું પાછળનું ટાયર ફાટ્યું હતું, જેથી ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો.
આઈસર ટેમ્પોમાં કુલ 17 જેટલા લોકો સવાર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ટેમ્પો પલટી જતા ટેમ્પામાં સવાર લોકો હવામાં ફંગોળાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર ચિચિયારી અને અફરાતફરી મચી ગઈ હતી.
આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 6 લોકોને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યારે ટેમ્પામાં સવાર અન્ય લોકોનો આબાદ બચાવ થયો છે. બીજી તરફ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ક્રેન બોલાવીને પલટી ગયેલા ટેમ્પાને રસ્તાની સાઈડમાં કરાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
