Surat News: સુરત જિલ્લાના કીમ અને કોસંબા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેક પરથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતાં રેલવે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આશરે 30થી 35 વર્ષના યુવકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આ મામલે કીમ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કીમ અને કોસંબા વચ્ચે ડાઉન લાઇન પર રેલવેના કિલોમીટર નંબર 291/04થી 291/06 વચ્ચે એક યુવકનો મૃતદેહ જોવા મળ્યો હતો. મૃતકની ઉંમર આશરે 30થી 35 વર્ષની હોવાનું પ્રાથમિક અનુમાન છે. મૃતદેહને આગળની કાયદેસરની કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ માટે કીમ સરકારી દવાખાને મોકલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો
મૃતક યુવકની ઓળખ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. તેના પરિવારજનો કે વાલીવારસનો સંપર્ક પણ થઈ શક્યો નથી. આથી મૃતદેહને ત્રણ દિવસ સુધી YKGN ટ્રસ્ટના કોલ્ડરૂમમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
કીમ પોલીસ દ્વારા યુવકની ઓળખ સ્થાપિત કરવા અને તેના પરિવારજનો સુધી પહોંચવા માટે વધુ તપાસ કરવામાં આવી રહી છે. યુવકનું મોત કયા સંજોગોમાં થયું તે અંગેની હકીકત તપાસ અને પોસ્ટમોર્ટમના અહેવાલ બાદ સ્પષ્ટ થઈ શકશે.
