સુરત કીમ ચાર રસ્તા પાસે અકસ્માત: ઊભેલી ટ્રક પાછળ ડમ્પર ઘૂસ્યું; ચાલક કેબિનમાં ફસાયો

સુરત નજીક કીમ ચાર રસ્તા એક્સપ્રેસવે પર બંધ પડેલી ટ્રક પાછળ ડમ્પર ધડાકાભેર અથડાયું. કેબિનમાં ફસાયેલા ચાલકને કામરેજ ફાયર વિભાગે ગેસ કટરથી કટિંગ કરી સુરક્ષિત બહાર કાઢ્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 31 Oct 2026 11:49 AM (IST)Updated: Sat, 31 Oct 2026 11:49 AM (IST)
surat-kim-expressway-road-accident-dumper-truck-collision-driver-rescue

Surat Road Accident: સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા નજીક એક્સપ્રેસવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. રસ્તા પર ઊભેલા ટ્રક પાછળ રેતી ભરેલું ડમ્પર ધડાકાભેર અથડાતાં ડમ્પરની કેબિનને ભારે નુકસાન થયું હતું. અકસ્માતમાં ડમ્પરનો ચાલક કેબિનમાં ફસાઈ જતાં ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

કેબિનમાં ડ્રાઈવર ફસાઈ ગયો

મળતી માહિતી મુજબ, એક ટ્રકમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાતાં ચાલકે તેને એક્સપ્રેસ વે પર ઊભો રાખ્યો હતો. દરમિયાન પાછળથી આવી રહેલું રેતી ભરેલું ડમ્પર ટ્રકને જોઈ શક્યું નહોતું અને સીધું તેની પાછળ ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે ડમ્પરની કેબિનનો ભાગ વળી ગયો હતો અને ચાલક સ્ટેયરિંગ અને કેબિનના લોખંડના ભાગો વચ્ચે ફસાઈ ગયો હતો.

પોલીસ અને ફાયર વિભાગ મદદે આવ્યું

ઘટનાની જાણ થતાં પાલોદ પોલીસ અને કામરેજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા માટે ફાયર વિભાગના જવાનોએ ગેસ કટર સહિતનાં સાધનોનો ઉપયોગ કર્યો હતો. ભારે જહેમત બાદ કેબિનનો ભાગ કાપીને ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.

ઈજાગ્રસ્તને 108માં હોસ્પિટલે ખસેડાયો

ત્યારબાદ ઈજાગ્રસ્ત ચાલકને વધુ સારવાર માટે 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ અકસ્માતને પગલે એક્સપ્રેસ વે પર વાહનવ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો. પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવ્યાં હતાં અને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.