Surat-Ayodhya Special Train: ઉનાળાની રજાઓ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કેટલીક ટ્રેનોમાં મુસાફરોની ભીડ સતત યથાવત છે. ઘણી ટ્રેનોમાં લાંબી વેટિંગ લિસ્ટ જોવા મળી રહી છે અને મુસાફરોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા ઈન્દોર, સુરત અને અયોધ્યા રૂટ પર ચાલતી વિશેષ ટ્રેનોની સેવાઓ ઓગસ્ટ મહિનાના અંત સુધી લંબાવી છે.
ઉધના-અયોધ્યા કેન્ટ સ્પેશિયલ ટ્રેનનું શિડ્યુલ
સુરતના ઉધના અને અયોધ્યા વચ્ચે મુસાફરી કરતા નાગરિકો માટે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે:
દર શુક્રવારે ચાલતી ટ્રેન નંબર 09093 ઉધના-અયોધ્યા કેન્ટ સ્પેશિયલ ટ્રેન હવે 28 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. પરત આવતા ટ્રેન નંબર 09094 અયોધ્યા કેન્ટ-ઉધના સ્પેશિયલ 29 ઓગસ્ટ સુધી દર શનિવારે રવાના થશે.
દર મંગળવારે ચાલતી ટ્રેન નંબર 09097 ઉધના-અયોધ્યા કેન્ટ સ્પેશિયલ ટ્રેનની સેવાનો 25 ઓગસ્ટ સુધી વિસ્તાર કરવામાં આવ્યો છે. તેની પરત ટ્રેન નંબર 09098 અયોધ્યા કેન્ટ-ઉધના સ્પેશિયલ ઓગસ્ટ સુધી દર બુધવારે દોડશે.
ઈન્દોર-હઝરત નિઝામુદ્દીન સ્પેશિયલ ટ્રેન શિડ્યુલ
ભારતીય રેલવે દ્વારા જારી કરાયેલ માહિતી અનુસાર, અઠવાડિયામાં બે દિવસ ચાલતી ઈન્દોર-હઝરત નિઝામુદ્દીન સ્પેશિયલ (09309) 30 ઓગસ્ટ સુધી દોડશે, જે અગાઉ 31 જુલાઈ સુધી ચાલવાની હતી. આ ટ્રેન દર શુક્રવાર અને રવિવારે દોડશે. જ્યારે પરત આવતા હઝરત નિઝામુદ્દીન-ઈન્દોર સ્પેશિયલ (09310) 31 ઓગસ્ટ સુધી દર શનિવાર અને સોમવારે દોડશે.
હવામાન અને મુસાફરોની ભીડને ધ્યાને રાખીને લેવાયેલા આ નિર્ણયથી ગુજરાત અને મધ્ય પ્રદેશના મુસાફરોને ટિકિટ મેળવવામાં મોટી રાહત મળશે. ખાસ કરીને, અયોધ્યા જવા માંગતા ગુજરાતના મુસાફરોને ઓગસ્ટ મહિનાના અંત સુધી સ્પેશિયલ ટ્રેનની સેવા મળી રહેશે.
