સુરતમાં જામશે ભારત-ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટનો રોમાંચ! 1થી 6 ડિસેમ્બર T20 શ્રેણી, સુરતની અખ્સાહ પરમારની ભારતીય ટીમમાં પસંદગી

સુરતમાં 1થી 6 ડિસેમ્બર 2026 દરમિયાન ભારત-ઇંગ્લેન્ડ અંડર-19 મહિલા T20 શ્રેણીની 3 મેચ રમાશે. સુરતની અખ્સાહ પરમારની ભારતીય ટીમમાં પસંદગીa.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 24 Nov 2026 02:41 PM (IST)Updated: Tue, 24 Nov 2026 02:41 PM (IST)
surat-india-england-u19-women-t20-series-achsah-parmar

India vs England U19 Women T20: સુરતના ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર છે. શહેરના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટની મેચોનો રોમાંચ જોવા મળશે. ભારત અને ઇંગ્લેન્ડની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાનારી પાંચ ટી-20 મેચોની શ્રેણીના અંતિમ ત્રણ મુકાબલા 1થી 6 ડિસેમ્બર, 2026 દરમિયાન સુરતમાં યોજાશે. ખાસ વાત એ છે કે આ તમામ મેચો નિહાળવા માટે દર્શકોને કોઈ ટિકિટ લેવાની જરૂર રહેશે નહીં, કારણ કે સ્ટેડિયમમાં પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.

સુરતની અખ્સાહ પરમારની બીજી મહિલા ક્રિકેટર

આ આંતરરાષ્ટ્રીય શ્રેણી સુરત માટે વધુ એક કારણસર ખાસ બની રહેશે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA)નું પ્રતિનિધિત્વ કરતી યુવા ક્રિકેટર અખ્સાહ પરમારની ભારતીય અંડર-19 મહિલા ટીમમાં પસંદગી થઈ છે. ગૌરી ગોયલ બાદ ભારતીય ટીમમાં સ્થાન મેળવનારી અખ્સાહ સુરતની બીજી મહિલા ક્રિકેટર બની છે. ઘરઆંગણે યોજાનારી આ શ્રેણીમાં અખ્સાહને પોતાની રમત અને પ્રતિભા દર્શાવવાની તક મળશે.

ભારત અને ઇંગ્લેન્ડની અંડર-19 મહિલા ટીમો વચ્ચેની પાંચ ટી-20 મેચોની શ્રેણીનું આયોજન બે શહેરોમાં કરવામાં આવ્યું છે. શ્રેણીની પ્રથમ બે મેચ 26 અને 28 નવેમ્બરના રોજ વડોદરામાં રમાશે, જ્યારે બાકીની અંતિમ ત્રણ મેચ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે યોજાશે.

ક્રિકેટપ્રેમીઓને ફરી મેચ જોવાનો અવસર

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે સુરતમાં આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ હતી. ત્યારબાદ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની રાહ જોઈ રહેલા સુરતના ક્રિકેટ ચાહકોને હવે આ શ્રેણી દ્વારા ફરી સ્ટેડિયમમાં મેચ જોવાનો અવસર મળશે.

ટીમની કમાન ભાવિકા અહિરેનના હાથમાં

BCCI દ્વારા જાહેર કરવામાં આવેલી ભારતીય અંડર-19 મહિલા ટીમની કમાન ભાવિકા અહિરેનને સોંપવામાં આવી છે. જ્યારે અનાદી તાગડે વાઇસ કેપ્ટન તરીકે ટીમની જવાબદારી સંભાળશે. ભારતીય ટીમમાં પસંદગી પામેલા અન્ય ખેલાડીઓમાં અખ્સાહ પરમાર, ઈરા જાધવ, નિધિ મહતો, પૂર્વા વાપ, મહક નરવાસે, શ્રેયા એસ. ચવ્હાણ, મૈત્રી મનિયાર, ઈશ્વરી અવસરે, દિયા યાદવ, સમાયરા રાઘવ, કુમારી પલક, ઉમા કાશ્વી અને પલક સિંહનો સમાવેશ થાય છે.

યુવા ખેલાડીઓ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી આ શ્રેણી યુવા ખેલાડીઓ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આગામી અંડર-19 મહિલા વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવાની દાવેદારી મજબૂત બનાવવા માટે ખેલાડીઓને આ શ્રેણીમાં પોતાની ક્ષમતા દર્શાવવાની તક મળશે. આ મુકાબલાઓ દરમિયાન સેન્ટર ઓફ એક્સેલન્સના વડા વીવીએસ લક્ષ્મણ અને રાષ્ટ્રીય પસંદગી સમિતિના સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહેશે. જેના કારણે ખેલાડીઓને સીધા પસંદગીકારોની નજર સામે પોતાની રમતનું કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક મળશે.

મેચના આયોજન માટે BCCI સજ્જ બન્યું

વધુમાં વધુ ક્રિકેટપ્રેમીઓ સ્ટેડિયમમાં આવીને ખેલાડીઓનો ઉત્સાહ વધારે તે હેતુથી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા તમામ મેચો માટે પ્રવેશ વિનામૂલ્યે રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એસોસિએશનના મતે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકોની હાજરીથી સુરતમાં ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ વધુ મજબૂત બનશે અને ભવિષ્યમાં શહેરને વધુ આંતરરાષ્ટ્રીય મેચોની યજમાની કરવાની તક મળી શકે છે. આ શ્રેણીના આયોજન માટે BCCI અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનની કમિટી પણ સજ્જ બની છે.

કોણ છે સુરતની યુવા ક્રિકેટર અખ્સાહ સોરેન્સ પરમાર?

સુરતની યુવા ક્રિકેટર અખ્સાહ સોરેન્સ પરમારના પિતા સોરેન્સ ચાર્લ્સ પરમાર DGVCLમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમનાં માતા ડૉ. ઝંખના સોરેન્સ પરમાર અમરોલી સ્થિત જે.ઝેડ. શાહ આર્ટ્સ એન્ડ એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે. અખ્સાહ BCCIની ગુજરાત U-17, U-19, U-23 તેમજ સિનિયર મહિલા ક્રિકેટ ટીમોમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. હાલમાં તે ગુજરાત U-19 મહિલા ટીમની કેપ્ટન તરીકે જવાબદારી નિભાવી રહી છે.

સુરતવાસીઓ માટે ગૌરવની ક્ષણ બનશે

વર્ષ 2026 દરમિયાન અખ્સાહે બેંગલુરુ ખાતે યોજાયેલા U-19 NCA અને હાઈ પરફોર્મન્સ કેમ્પ (COE)માં પણ ભાગ લીધો હતો. હવે ભારતીય અંડર-19 ટીમમાં સ્થાન મળતાં તેની કારકિર્દીમાં વધુ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિનો ઉમેરો થયો છે. આમ, ડિસેમ્બર મહિનામાં યોજાનારી ભારત-ઇંગ્લેન્ડની અંડર-19 મહિલા ટી-20 શ્રેણી સુરતના ક્રિકેટપ્રેમીઓ માટે ખાસ આકર્ષણ બની રહેશે. ખાસ કરીને શહેરની દીકરી અખ્સાહ પરમારને ભારતીય ટીમ તરફથી રમતી જોવાનો અવસર સુરતવાસીઓ માટે ગૌરવની ક્ષણ બની રહેશે.

સુરતમાં રમાનારી ભારત-ઇંગ્લેન્ડ T20 મેચોનું સમયપત્રક

તારીખ

મેચ

સમય

1 ડિસેમ્બર, 2026

ત્રીજી T20 મેચ

સાંજે 6:00 કલાકે

3 ડિસેમ્બર, 2026

ચોથી T20 મેચ

સાંજે 6:00 કલાકે

6 ડિસેમ્બર, 2026

પાંચમી T20 મેચ

બપોરે 1:00 કલાકે