Independence Day 2026: 80મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી, નાણામંત્રી કનુભાઈની પ્રેરક ઉપસ્થિતિ

રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ધ્વજારોહણ કરી શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 15 Aug 2026 02:28 PM (IST)Updated: Sat, 15 Aug 2026 02:28 PM (IST)
surat-independence-day-2026-celebration-finance-minister-kanubhai-desai
Independence Day 2026 Celebration at Surat

Independence Day 2026 Celebration at Surat: દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની સુરત જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી ઉમરા સ્થિત કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ ખાતે અત્યંત ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. આ ઐતિહાસિક તકે રાજ્યના નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ધ્વજારોહણ કરી શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. 

'મિની ભારત' સમાન શહેર સુરત

આ સમારોહને સંબોધતા મંત્રી કનુભાઈ દેસાઈએસુરતને "સૌથી ઝડપથી વિકસતું" શહેર ગણાવતા તેની આર્થિક શક્તિનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે ગૌરવ સાથે જણાવ્યું કે, વિશ્વમાં વપરાતા 10 હીરામાંથી 9 હીરાનું કટિંગ અને પોલિશિંગ એકમાત્ર સુરતમાં થાય છે. ભારતમાં બનતા સિન્થેટિક કાપડનું 40 ટકા ઉત્પાદન સુરત કરે છે.

કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, દેશનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન (અંત્રોલી) અને કાપડ ઉદ્યોગને વેગ આપતો પી.એમ. મિત્રા પાર્ક પણ સુરતમાં આકાર લઈ રહ્યો છે. હજીરા ખાતે એશિયાનું સૌથી મોટું ઔદ્યોગિક ક્ષેત્ર સ્થાપિત થયું છે. રોજગારી પૂરી પાડવામાં શ્રેષ્ઠ યોગદાનથી આજે સુરત સાચા અર્થમાં ‘મિની ભારત’ બન્યું છે.

સ્વચ્છતામાં સુરત શહેર દેશમાં પ્રથમ

સુરતે માત્ર ઉદ્યોગોમાં જ નહીં, પણ સ્વચ્છતામાં પણ દેશભરમાં ડંકો વગાડ્યો છે. મંત્રીએ નોંધ્યું કે 'સ્વચ્છ સર્વેક્ષણ 2023' માં સુરતે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો અને ગાર્બેજ ફ્રી સિટીમાં '7 સ્ટાર' રેટિંગ હાંસલ કર્યું છે. આ ઉપરાંત, સુરત વોટર રીસાયક્લિંગ ક્ષેત્રે પણ દેશમાં મોખરે છે. અહીં ગંદા પાણીને શુદ્ધ કરી ઉદ્યોગોને પૂરું પાડીને વાર્ષિક રૂ. 140 કરોડની આવક મેળવવામાં આવે છે.

ગુજરાત: દેશના વિકાસનું ગ્રોથ એન્જિન 

'વિકસિત ભારત 2047' ના વિઝન હેઠળ ગુજરાતના યોગદાનની ચર્ચા કરતા મંત્રીએ જણાવ્યું કે દેશના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં (GDP) ગુજરાત 17% અને કુલ નિકાસમાં 26% હિસ્સો ધરાવે છે. ગુજરાત છેલ્લા 10 વર્ષથી 'લોજિસ્ટિક્સ ઈન્ડેક્સ' માં પ્રથમ સ્થાને રહ્યું છે. પર્યાવરણ સુરક્ષા માટે 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ 17 કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે.

સન્માન અને વિકાસ માટે આર્થિક સહાય

આ પ્રસંગે નાણામંત્રીના હસ્તે જિલ્લાના વિકાસ કાર્યો માટે રૂ. 25 લાખનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસ, આરોગ્ય, ડિઝાસ્ટર અને રમત ગમતવિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુમાં, વિવિધ શાળાનાવિદ્યાર્થીઓએ મનોહર સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તેજસ પરમાર અને પોલીસ કમિશનર વાબાંગ જમીર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મંત્રી અને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.