સુરતમાં માનવતા મહેકી: વરસાદમાં અટવાયેલા ગરીબ મૂર્તિકારની 200થી વધુ શ્રીજીની પ્રતિમાઓ બે યુવકોએ ખરીદી, પોલીસે પણ કરી ખાસ વ્યવસ્થા

આ બંને મિત્રો તે મૂર્તિકાર પાસે ગયા હતા અને પૂછ્યું તો મૂર્તિકારનો પરિવાર ચિંતામાં જણાયો હતો જેથી બંને મિત્રોએ આ 200 મૂર્તિઓ ખરીદી લેવાનો નિર્ણય કરી લીધો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 15 Sep 2026 12:13 PM (IST)Updated: Tue, 15 Sep 2026 12:13 PM (IST)
surat-ganesh-chaturthi-two-youths-buy-over-200-ganesh-idols-from-struggling-sculptor

Surat Ganesh Chaturthi: ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર નિમિત્તે સુરત શહેરમાં સેવા અને સંવેદનાનો એક સુંદર કિસ્સો સામે આવ્યો છે. તહેવારના અંતિમ સમયે અડાજણ ધનમોરા સર્કલ પાસે એક ગરીબ મૂર્તિકારની 200થી વધુ શ્રીજીની પ્રતિમાઓ વેચાયા વિના પડી રહી હતી, જેના કારણે પરિવારે કરેલી મહિનાઓની મહેનત અને મૂડી એળે જવાનો ભય ઊભો થયો હતો. આ બાબત ધ્યાને આવતાં જ બે જાગૃત મિત્રોએ તાત્કાલિક સંવેદનશીલ નિર્ણય લઈ આ તમામ મૂર્તિઓ ખરીદી લીધી છે. આ સરાહનીય પહેલમાં સુરતના અડાજણ પોલીસ સ્ટેશને પણ સંપૂર્ણ સહયોગ આપ્યો છે. આ 200 મૂર્તિઓને એક સાથે દોઢ દિવસ સ્થાપના કરી વિધિ પૂર્વક વિસર્જન કરવામાં આવશે.

આજથી ગણેશોત્સવ શરુ થઈ ગયો છે અને સુરતમાં ગણેશોત્સવ ખુબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે, ત્યારે સુરત શહેરમાં સેવા અને સંવેદનાનો એક સુંદર કિસ્સો સામે આવ્યો છે. વાત કાંઇક એમ છે કે વડોદરા ખાતે રહેતો સ્મિત ઠકુર તેના મિત્ર દિક્ષિત ત્રિવેદીને મળવા સુરત આવ્યો હતો. આ બંને મિત્રો અડાજણ ધનમોરા સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતા આ દરમ્યાન વરસાદમાં બેસેલા મૂર્તિકાર પર તેમની નજર પડી હતી. ગઇકાલે ગણપતીની સ્થાપનાનો સમય પણ પૂર્ણ થઇ ગયો હોય આ મૂર્તિકાર પાસે 200 જેટલી મૂર્તિઓ 200થી વધુ શ્રીજીની પ્રતિમાઓ વેચાયા વિના પડી રહી હતી, એટલે આ બંને મિત્રો તે મૂર્તિકાર પાસે ગયા હતા અને પૂછ્યું તો મૂર્તિકારનો પરિવાર ચિંતામાં જણાયો હતો જેથી બંને મિત્રોએ આ 200 મૂર્તિઓ ખરીદી લેવાનો નિર્ણય કરી લીધો હતો.

બંને મિત્રોએ મૂર્તિકારની વેદના સમજીને તમામ 200 મૂર્તિઓ ખરીદી લેવાનો નિર્ણય તો કરી લીધો, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે આટલી મોટી સંખ્યામાં મૂર્તિઓની સ્થાપના ક્યાં કરવી અને તેનું વિસર્જન કેવી રીતે થશે? આ અંગે તેઓ તુરંત નજીકમાં આવેલી એસીપી ઓફિસે પહોંચ્યા અને એસીપી મિલન મોદીને સમગ્ર સ્થિતિથી માહિતગાર કર્યા, સુરત પોલીસે માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પરંતુ ઉત્તમ માનવતાનું ઉદાહરણ પૂરું પાડતાં ગણતરીની મિનિટોમાં જ અડાજણ પ્રાઈમ માર્કેટ પાસે આ 200 મૂર્તિઓની ભવ્ય સ્થાપના થઈ શકે તે માટે ખાસ જગ્યાની વ્યવસ્થા કરી આપી હતી. બંને મિત્રોએ સંકલ્પ કર્યો છે કે આ તમામ 200 શ્રીજીની પ્રતિમાઓની એકસાથે દોઢ દિવસ માટે સ્થાપના કરવામાં આવશે અને ત્યારબાદ વિધિપૂર્વક તેનું વિસર્જન કરવામાં આવશે.

સ્મિત ઠકુરએ જણાવ્યું હતું કે વર્ષ 2016માં હું અડાજણ ચાર પાસે રહેતો હતો, બે દિવસથી હું મારા મિત્રોને મળવા આવ્યો હતો અને ધનમોરા સર્કલ પાસેથી અમે પસાર થઇ રહ્યા હતા ત્યારે બપોરનો સમય હતો અને ફૂલ વરસાદ વરસી રહ્યો હતો, અહિયાં એક પરિવાર ગણપતી બાપ્પાની મૂર્તિ લઈને બેઠો હતો અને વરસાદ પણ ખુબ હતો અને ગ્રાહકો પણ ન હતા અને સ્થાપનો સમય પણ પૂર્ણ ગયો હતો અમે એ પરિવાર પાસે ગયા હતા અને વાતચીત કરી તો તેમણે કહ્યું કે અમે હવે આ મૂર્તિનું વિસર્જન કરી દઈશું, તેમની પાસે 200 જેટલી મૂર્તિ હતી એ મૂર્તિ અમે ખરીદી લીધી હતી, હવે મૂર્તિ ખરીદી તો લીધી પણ મૂર્તિને રાખીશું ક્યાં અને વિસર્જન એ બધું ક્યાં કરીશું તે પ્રશ્ન હતો, બાદમાં અમે રાંદેર રોડ પર પીઆઈ અને એસીપીને આ મામલે વાતચીત કરી હતી એટલે પોલીસે અમને ગણતરીની મિનીટોમાં જ અમને જગ્યાની વ્યવસ્થા કરી આપી હતી.

અમે દોઢ દિવસના ગણપતીની સ્થાપના કરીશું અને બાદમાં વિધિપૂર્વક વિસર્જન કરીશું, પોલીસ માત્ર સુરક્ષા અને સલામતી માટે જ નહી પણ સેવા માટે પણ છે, એસીપી સરનો જે અભિગમ હતો જે ખુબ જ સરસ હતો, સુરત પોલીસનો ખુબ ખુબ આભાર, હું લોકોને અપીલ કરવા માંગું છું કે આપણે ડીજે સાથે, છપ્પન ભોગ, સાથે ભક્તિભાવ અને ધામધૂમ પૂર્વક 10 દિવસ ગણેશોત્સવ ઉજવતા હોઈએ છીએ પણ આપણી આસપાસ જ ઘણા એવા પરિવાર હોય છે જે ગરીબ પરિવાર હોય છે અને આવી રીતે મૂર્તિ લઈને બેઠા હોય છે અને કોઈ પણ કારણોસર મૂર્તિ વહેચાય ન હોય તો આપણે માનવતાનું કામ કરી શકીએ છીએ અને આપણી સાથે આ પરિવાર પણ તહેવાર ઉજવી શકે.

મૂર્તિ વેચતા શોભાબેનએ જણાવ્યું હતું કે વરસાદના કારણે મૂર્તિ વેચાય ન હતી અને અમને મોટું નુકશાન આવવાનું હતું પણ આ ભાઈ આવ્યા હતા અને બધી મૂર્તિ ખરીદી લીધી હતી. હું માનું છું કે આ બાપ્પાની મોટી મહેર છે અને બાપ્પાએ જ આ લોકોને મોકલ્યા છે, જો આ ભાઈ આવ્યા ન હોતે તો અમને ખુબ જ મોટું નુકશાન થવાનું હતું અમે ૩ દિવસથી અહી બેસી રહ્યા હતા અને ચિંતિત હતા કે ગ્રાહક આવ્યા નથી અને મૂર્તિ વેચાય નથી તો શું થશે. હાલ મૂર્તિ વેચાય તો બોવ સારું લાગ્યું અને ગણપતી બાપ્પાની મહેર છે.