Surat Flood: સુરત શહેર-જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદ અને તેના પરિણામે પાણી ભરાવાની પરિસ્થિતિ સંદર્ભે નાણા મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, બચાવ કામગીરીની પ્રગતિ અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહેલી કામગીરી અંગે ચર્ચાવિચારણા કરી મંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરાવી ઝડપથી કેશડોલ્સ, ઘરવખરી સહાય ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદ બાદની પરિસ્થિતિ સંદર્ભે સ્થાનિક તંત્ર સાથે સતત સંકલન અને સંપર્કમાં છે. તેમણે વોટરલોગીંગની સમસ્યાને નિવારવા માટે જરૂરિયાત અનુસાર ડીવોટરીંગ પંપ અને અન્ય સાધનસામગ્રી ઉપલબ્ધ કરવા જણાવ્યું હતું.
અસરગ્રસ્ત ઝોનમાં ભરાયેલા પાણીનો ઝડપભેર નિકાલ કરવા જણાવી રેસ્ક્યુ, સ્થળાંતર, ફૂડપેકેટ્સની વ્યવસ્થા, વોટરબોટ, શેલ્ટર હોમ્સ અને રિલીફ સેન્ટરોની વિગતવાર જાણકારી મેળવી હતી.
કોઈપણ ગામ, વિસ્તાર કે ચોક્કસ સ્થળે પાણી ભરાઈ જવાની તેમજ રાહત અને બચાવની સ્થિતિ ઊભી થાય તો સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર, વિવિધ આશ્રયસ્થાનો પર પીવાનું પાણી, ફૂડપેકેટ્સ, સફાઈ અભિયાન, જરૂરી દવાઓ તથા જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ માટે આગોતરૂ આયોજન હાથ ધરવા જણાવ્યું હતું.
રાજ્ય સરકાર ચોમાસા દરમિયાન કોઈપણ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે સુરત જિલ્લા વહીવટી તંત્ર સાથે છે અને નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે એમ જણાવી જનપ્રતિનિધિઓની રજૂઆતો સાંભળી હતી. તેમણે મનપાના અધિકારીઓને ધારાસભ્યઓ સાથે સંકલનમાં રહી પરસ્પર સહયોગની ભાવના સાથે લોકપ્રશ્નો ઉકેલવા અનુરોધ કર્યો હતો.

મ્યુ.કમિશનર એમ.નાગરાજને જણાવ્યું હતું કે, આ સપ્તાહમાં જ સિઝનનો 30 ટકા વરસાદ શહેરમાં નોંધાયો છે. 3600 લોકોનું રેસ્ક્યુ, 4100 અસરગ્રસ્ત લોકોને રિલીફ સેન્ટરમાં ખસેડ્યા છે. NDRFની 2 અને SDRFની 5 ટીમો કાર્યરત છે.
જિલ્લા કલેકટર તેજસ પરમારે જણાવ્યું હતું કે, પલસાણા અને કામરેજમાં સૌથી વધુ વરસાદ થયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનો ઝડપભેર સર્વે માટે આજ રાતથી જ ટીમો ડીપ્લોય કરાશે. શહેર-જિલ્લામાં 40 જેટલા કાચા-પાકા મકાનોને થયેલા નુકસાન અંગે વિગતો આપી હતી.
