Surat Family Train Viral Video: ભારતીય રેલવેમાં મુસાફરી દરમિયાન અવનવા જુગાડના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે, પરંતુ હાલમાં સુરતથી મુસાફરી કરી રહેલા એક પરિવારનો વીડિયો ઈન્ટરનેટ પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ વાયરલ વીડિયોમાં એક પરિવાર ટ્રેનના કોચની મિડલ બર્થને રીતસરના 'રસોડા'માં ફેરવીને નાસ્તો તૈયાર કરતો જોવા મળી રહ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા, સ્વચ્છતા અને સહ-મુસાફરોને પડતી અગવડતા અંગે નવી ચર્ચા છેડાઈ છે.
મિડલ બર્થ પર બ્રેડ, ડુંગળી અને ટામેટા સાથે બની સેન્ડવિચ
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે સુરતથી મુસાફરી શરૂ થયા બાદ પરિવારના સભ્યો નાસ્તાની તૈયારીમાં લાગી ગયા છે. મિડલ બર્થ પર ઘરના રસોડાની જેમ બ્રેડ, સમારેલી ડુંગળી, ટામેટા અને બટાકા સહિતનો સામાન ફેલાયેલો જોવા મળે છે, અને એક મહિલા સેન્ડવિચ તૈયાર કરી રહી છે. નીચેની બર્થ પર બેઠેલી એક યુવતી પણ આ કામમાં મદદ કરતી નજરે પડે છે.
વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિ જ્યારે મહિલાને પૂછે છે કે શું ચાલી રહ્યું છે, ત્યારે હસતાં હસતાં જવાબ મળે છે કે "નાસ્તાની તૈયારી ચાલી રહી છે." એટલું જ નહીં, વીડિયોના બેકગ્રાઉન્ડ ઓડિયોમાં એક મહિલા એમ પણ કહેતી સંભળાય છે કે જો તક મળી તો આગામી મુસાફરીમાં 'ઈલેક્ટ્રિક ટોસ્ટર' પણ સાથે લાવીને ગરમાગરમ નાસ્તો બનાવવાનું વિચારી શકાય.
સોશિયલ મીડિયા પર યુઝર્સ બે ભાગમાં વહેંચાયા
આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. મોટાભાગના લોકોએ આ વર્તનની આકરી ટીકા કરી છે. યુઝર્સનું કહેવું છે કે જાહેર પરિવહનમાં આ પ્રકારે સામાન ફેલાવીને રસોડું ઊભું કરવું અન્ય મુસાફરો માટે અસુવિધાજનક છે. ખાસ કરીને ઈલેક્ટ્રિક ટોસ્ટર લાવવાની વાત પર લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે ચાલુ ટ્રેનમાં આવા ઈલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ શોર્ટ સર્કિટ અને આગ લાગવા જેવી ગંભીર દુર્ઘટનાઓને આમંત્રણ આપી શકે છે.
બીજી તરફ, કેટલાક લોકોએ આ પરિવારનો બચાવ પણ કર્યો છે. તેમના મતે પરિવારે આખી કમ્પાર્ટમેન્ટની બર્થ બુક કરાવી હતી અને બહારના બિનઆરોગ્યપ્રદ ખોરાકને બદલે ઘરનો તાજો નાસ્તો તૈયાર કરીને ખાવામાં કોઈ ખોટું નથી.
અગાઉ પણ રેલવેએ આપી હતી કડક ચેતવણી
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ ટ્રેનના ચાર્જિંગ પોઈન્ટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રિક કીટલીમાં ચા બનાવતી એક મહિલાનો વીડિયો વાયરલ થયો હતો. તે સમયે ભારતીય રેલવેએ સત્તાવાર નિવેદન જારી કરીને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ટ્રેનના પાવર સોકેટ માત્ર મોબાઈલ અને લેપટોપ ચાર્જ કરવા માટે છે. તેમાં ઈલેક્ટ્રિક કીટલી, ટોસ્ટર કે હીટર જેવા ઉપકરણો લગાવવા ગેરકાયદેસર છે અને તેનાથી ટ્રેનમાં આગ લાગવાનું જોખમ રહેલું છે.
