Surat News: સુરતની ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં પત્ની અને બે માસૂમ દિકરીઓને ભરણપોષણ ન ચૂકવવું પડે તે માટે પતિએ કોર્ટ સામે પોતાની જાતને આર્થિક સ્થિતિ ખરાબ જણાવીને તમામ હદો પાર કરી હતી. જોકે, પત્નીની સતર્કતા અને કોર્ટમાં થયેલી કડક ઉલટ તપાસ સામે પતિનું આ જૂઠાણું લાંબા સમય સુધી ટકી શક્યું નહીં અને આખરે કોર્ટે પત્ની અને બાળકોની તરફેણમાં મહત્વનો ચુકાદો આપ્યો છે.
ભરણપોષણ ન આપવું પડે એટલે પતિનો દાવ
કેસની વિગત જોઈએ તો, પત્ની તેની બહેનપણી સાથે ફિલ્મ જોવા ગઈ હતી. આથી પતિએ પત્નીના ચારિત્ર્ય પર કુશંકા રાખીને પત્ની અને બંને બાળકીઓને ઘર બહાર તગેડી મૂકી હતી. નિરાધાર બનેલી પત્નીએ હાર માનવાની જગ્યાએ પોતાના અને બંને માસૂમ દીકરીઓના ગુજરાન માટે સુરતની ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં ભરણપોષણની જવાબદારીથી છટકવા માટે પતિએ કોર્ટ સામે રજૂ કરેલા સોગંધનામાં આર્થિક સ્થિતિ નબળી જણાવી હતી.
ઉલટતપાસમાં પતિનું જૂઠાણું ખુલ્યું
ફેમિલી કોર્ટમાં પતિએ એવો લૂલો બચાવ કર્યો કે, મારી પાસે આવકનું કોઈ નિશ્ચિત સાધન નથી. માત્ર એક ભેંસ છે જે પૂરતું દૂધ આપતી ન હોવાથી કોઈ કમાણી નથી થતી. પતિના દાવને લઈને પત્નીએ હિંમત હાર્યા વિના પતિની છુપાવેલી મિલકતોની વિગતો ભેગી કરી હતી. તેમજ કોર્ટ કાર્યવાહી દરમિયાન પત્નીના વકીલે કરેલી ઉલટ તપાસમાં પતિની પોલ ઉઘાડી પડી હતી. જેમાં પતિએ કબૂલ્યું કે, તેની પાસે તેના ગામડે સાડા 17 વીઘા જમીન છે. તેમજ એક નહીં પરંતુ 3 ભેંસો ઉપરાંત ગામમાં 4 રુમ અને રસોડાનું મોટું મકાન પણ છે.
પુત્રમોહ અને દહેજની લાલચમાં ત્રાસ
આ કેસની વિગતોમાં સાસરિયાઓની રુઢીચુસ્ત માનસિકતા અને ક્રૂરતા સામે આવી છે. દંપતીના લગ્ન પરિવારની મરજી વિરુદ્ધ થયા હોવાથી સાસરિયાઓ દ્વારા પત્ની પાસે કરિયાવર પેટે સોનાચાંદીના દાગીના અને પતિના ધંધા અને બાઈક માટે સતત દબાણ કરવામાં આવતું હતું. સાસરિયાઓ આટલેથી જ ન અટકતાં પુત્ર પ્રાપ્તિ માટે પરીણિતા પર ત્રાસ ગુજારતાં. તેઓને પુત્રનો એટલો મોહ હતો કે, પત્ની જ્યારે બીજી વાર ગર્ભવતી બની ત્યારે એપેન્ડિક્સની ગંભીર બિમારી હોવા છતાં જબરદસ્તી ગર્ભ ચાલુ રાખવાની ફરજ પાડી હતી.દીકરો જ જન્મે તે માટે પત્નીને મંત્રેલી વસ્તુઓ પીવડાવીને શારીરિક અને માનસિક ત્રાસ ગુજારાયો હતો. પરંતુ બીજી પુત્રી જન્મતાં સાસરિયાઓએ અસલી સ્વરુપ બતાવીને માતા-પુત્રીઓને બહાર કાઢી મૂકી હતી.
કોર્ટનો મહત્ત્વનો આદેશ
પત્નીએ પોતાના માટે માસિક રૂ. 15,000 અને બંને પુત્રીઓ માટે રૂ. 20,000-20,000 લેખે કુલ રૂ. 55,000 ભરણપોષણની માંગણી કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો, પતિની છુપાવેલી મિલકતોના પુરાવા અને ઊલટ તપાસની કબૂલાતને ધ્યાને રાખીને પત્ની અને બાળકોને ભરણપોષણ પેટે રૂપિયા 55 હજાર ચૂકવી આપવાનો મહત્ત્વપૂર્ણ હુકમ કર્યો છે.
