Surat: નાનપુરામાં વૃદ્ધાની ઘરમાં જ ઘાતકી હત્યા, નાની બહેને ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલતા લોહીથી લથપથ લાશ મળી આવી

બહેનની શોધખોળ બાદ પણ કોઈ ભાળ ન મળતા નાની બહેને ભાઈના દીકરાને ફોન કરી બહેનની તપાસ કરી હતી. જે બાદ નાની બહેન સહિતના લોકો મોટી બહેનના ફ્લેટ પર ગયા હતા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 15 Sep 2026 06:59 PM (IST)Updated: Tue, 15 Sep 2026 06:59 PM (IST)
surat-elderly-woman-found-murdered-at-home-in-nanpura-sister-discovers-bloodied-body

Surat: શહેરના નાનપુરા વિસ્તારમાં વૃદ્ધ મહિલાની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. મૃતક વૃદ્ધ મહિલા નાની બહેન સાથે મુંબઈ જવાના હતા, પરંતુ ના આવતા જયારે નાની બહેને ઘરે જઈને તપાસ કરી, ત્યારે મોટી બહેન લોહીલુહાણ હાલતમાં પડી હતી. આ સમગ્ર મામલે અઠવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરતના નાનપુરા વિસ્તારમાં ટી.એન્ડ ટી.વી.હાઈસ્કૂલની સામે મોનાલીસા એપાર્ટમેન્ટમાં આમેના ઉર્ફે એમીબેન અબ્દેઅલી મોતીવાલા (84) રહેતા હતા. તેમના પતિ અને પુત્રનું અગાઉ નિધન થઇ ચુક્યું છે. આમેના ઉર્ફે એમીબેન છેલ્લા દોઢેક માસથી તેમની નાની બહેનના ઘરે રહેતા હતા અને સવારે તેમના ઘરે જતા હતા અને બપોરે પરત આવતા હતા.

સોમવારે મુંબઈ જવાનું હોવાથી આમેના ઉર્ફે એમીબેન પોતાના ઘરે ગયા હતા અને તેમની બહેનને બેગ પેક કરવાની હોવાથી મોડું થશે તેમ જણાવ્યું હતું. જે બાદ બપોરે ફોટોની ફ્રેમ બાબતે બંને બહેનો વચ્ચે વાત પણ થઈ હતી, પરંતુ સાંજે નાની બહેન દુરરીયા સિરાજ મોતીવાલાએ ઘરની નીચે જઈને મોટી બહેનને ફોન કર્યો તો ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી ફ્લેટ પર જઈને તપાસ કરી તો ઘરને બહારથી તાળું માર્યું હતું,

બહેનની શોધખોળ બાદ પણ કોઈ ભાળ ન મળતા નાની બહેને ભાઈના દીકરાને ફોન કરી બહેનની તપાસ કરી હતી. જે બાદ નાની બહેન સહિતના લોકો મોટી બહેનના ફ્લેટ પર ગયા હતા અને ડુપ્લિકેટ ચાવી વડે ફ્લેટ ખોલતા મોટી બહેન લોહીલુહાણ હાલતમાં ઘરમાં પડી હતી અને માથામાંથી લોહી નીકળતું હતું. જેથી તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસ અને એમ્બ્યુલન્સ ત્યાં પહોચી હતી અને એમ્બ્યુલન્સની ટીમે તપાસ કરી વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા.

બીજી તરફ ઘરમાંથી વૃદ્ધ મહિલાનો મોબાઈલ ફોન પણ ગુમ હતો. સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધ મહિલાનું પીએમ કરાવતા તેમનું મોત ગળું દબાવવાથી તેમજ માથામાં કોઈ સાધન વડે ઈજા થવાથી અને છાતીની પાંસળી તૂટેલી હોવાથી મોત થયાનું બહાર આવ્યું હતું

આમેનાબેનમાં પતિનું 40 વર્ષ અગાઉ અવસાન થઇ ગયું છે અને તેમના દીકરાનું પણ વર્ષ 2017માં હાર્ટ એટેકથી મોત થયું હતું, જે બાદ આમેનાબેન ઘરે એકલા રહેતા હતા. આ સમગ્ર મામલે અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.