Surat Dharpakad Movie Promotion: સુરતમાં સ્થિત ડુમસનો દરિયાકિનારો રવિવારની સાંજે જાણે કોઈ ફિલ્મી સેટમાં ફેરવાઈ ગયો હતો. પોતાની આગામી ગુજરાતી ફિલ્મ 'ધરપકડ' ના પ્રમોશન માટે ગુજરાતના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને 'લાલો' ફેમ શ્રૃહદ ગોસ્વામી સુરત પહોંચ્યા હતા, જ્યાં તેમને જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
ડુમસ બીચ પર 'ધરપકડ' નો લાઈવ ડ્રામા
સુરતના ડુમસ સી-ફેસ પર જ્યારે હજારોની સંખ્યામાં લોકો રજાની મજા માણી રહ્યા હતા, ત્યારે અચાનક પોલીસના કાફલા સાથે મલ્હાર ઠાકર અને શ્રૃહદ ગોસ્વામીની એન્ટ્રી થઈ હતી. ફિલ્મના ટાઈટલને સાર્થક કરતા હોય તેમ, એકદમ ફિલ્મી સ્ટાઈલમાં નકલી પોલીસ દ્વારા મલ્હારને હાથકડી પહેરાવવામાં આવી હતી.
સહેલાણીઓની ભીડથી ભરેલા ડુમસ બીચ પર અચાનક બનેલી આ ઘટનાથી હાજર લોકોમાં ભારે ગણગણાટ શરૂ થયો હતો, અને સહેલાણીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે, થોડી જ વારમાં મામલો સ્પષ્ટ થઈ ગયો હતો કે, આ પોલીસ સાચી નથી પરંતુ ફિલ્મ ‘ધરપકડ’ના અનોખા પ્રમોશનનો જ એક ભાગ છે.
ચાહકોનો ક્રેઝ અને સેલ્ફી લેવા પડાપડી
અભિનેતા શ્રૃહદ ગોસ્વામી, જેઓ લોકોમાં 'લાલા' તરીકે ભારે લોકપ્રિય છે, તેમને પણ પોતાની વચ્ચે જોઈને સુરતીઓનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો. આ બંને કલાકારોએ ફિલ્મના પ્રમોશન માટે ડુમસ સી-ફેસ પર લાંબો સમય વિતાવ્યો હતો, અને ફિલ્મના ટાઇટલ સાથે જોડાયેલા કોન્સેપ્ટને લોકો સમક્ષ રજૂ કર્યો હતો.
આ પણ વાંચો: NRI પતિને સુરત ફેમિલી કોર્ટની લપડાક, તરછોડાયેલ પત્નીને મહિને રૂ. 25,000 ભરણપોષણ ચૂકવવા આદેશ
પોતાના ફેવરિટ સ્ટાર્સને આટલી નજીક જોઈને યુવાધનમાં ભારે ક્રેઝ જોવા મળ્યો હતો, અને કલાકારો સાથે સેલ્ફી લેવા માટે લોકોએ ભારે પડાપડી કરી હતી. મલ્હાર અને શ્રૃહદે પણ ખૂબ જ નમ્રતાપૂર્વક સુરતીઓના આ પ્રેમનો સ્વીકાર કર્યો અને ચાહકો સાથે તસવીરો પડાવી હતી. સુરતીઓના આ ઉમળકાભર્યા આવકાર બદલ બંને કલાકારોએ આભાર વ્યક્ત કર્યો હતો.
