સુરતમાં દિવાળીના ફટાકડા બન્યા પીડાનું કારણ! 10 દિવસમાં દાઝવાના 50 કેસ, 7 દર્દીઓ ગંભીર

સુરતમાં દિવાળીના 10 દિવસ દરમિયાન ફટાકડાથી દાઝવાના 50 કેસ નોંધાયા. નવી સિવિલ હોસ્પિટલમાં 7 ગંભીર દર્દીઓને દાખલ કરાયા, દાઝેલા લોકોમાં બાળકોની સંખ્યા વધુ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 14 Nov 2026 12:53 PM (IST)Updated: Sat, 14 Nov 2026 12:53 PM (IST)
surat-diwali-firecracker-burn-cases-50-patients-7-serious-new-civil-hospital

Diwali Firecracker Accident: દિવાળીના પર્વ દરમિયાન ફટાકડા ફોડવાની ખુશી કેટલાક લોકો માટે પીડાદાયક સાબિત થઈ છે. સુરતમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાની આતશબાજીને કારણે દાઝી જવાના અનેક બનાવો સામે આવ્યા છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ફટાકડાથી દાઝી જવાના આશરે 50 કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.

દિવાળી દરમિયાન લોકો ઈજાગ્રસ્ત થયા

મળતી માહિતી મુજબ, દિવાળીના પર્વ દરમિયાન ફટાકડા ફોડતી વેળાએ દાઝી જવાના અનેક બનાવો બન્યા હતા. સિવિલ હોસ્પિટલમાં 4 નવેમ્બરથી 13 નવેમ્બર દરમિયાન ફટાકડાથી દાઝી જવાના આશરે 50 કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડતી વખતે દાઝી ગયેલા તમામ દર્દીઓને નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, આ 50 દર્દીઓમાંથી 7 દર્દીઓ ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. આ ગંભીર દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં તબીબો દ્વારા વિશેષ સારવાર આપવામાં આવી હતી. દાઝેલા દર્દીઓમાં બાળકોની સંખ્યા વધારે હતી.

સુરક્ષાનું પાલન કરવું ખૂબ જરુરી

દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવાની ઉતાવળ અને બેદરકારીના કારણે અનેક લોકોને દાઝી જવાની પીડા સહન કરવી પડી છે. તહેવારની ઉજવણી દરમિયાન થોડી બેદરકારી પણ ગંભીર ઇજાનું કારણ બની શકે છે, તે આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. દિવાળીની ઉજવણી દરમિયાન ફટાકડા ફોડતી વખતે સુરક્ષાના નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. ખુલ્લી જગ્યામાં ફટાકડા ફોડવા, બાળકોને પુખ્ત વયના લોકોની દેખરેખમાં રાખવા અને આગથી બચાવ માટે જરૂરી સાવચેતી રાખવી જોઈએ.

બાળકોની સુરક્ષાને લઈને ખાસ અપીલ

સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ ડો. લક્ષ્મણભાઈએ જણાવ્યું હતું કે

છેલ્લા 8 થી 10 દિવસ દરમ્યાન દિવાળીના તહેવારોમાં આશરે 50 જેટલા દાઝેલાના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. જેઓને સારવાર આપવામાં આવી હતી. આ દર્દીઓને સામાન્ય ઇજાઓ હતી અને તેમને સારવાર આપીને રજા આપવામાં આવી હતી તેમજ 7 ગંભીર દર્દીઓ હતા તેઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. દાઝેલા દર્દીઓમાં બાળકોની સંખ્યા વધારે હતી. તેમણે લોકોને અપીલ કરી હતી કે. બાળકો સાથે કોઈને કોઈ વડીલ હાજર રહે તો આવી રીતે દાઝવાના કે ઈજાની ઘટનાઓ ન બને.