Surat News: દિવાળીના તહેવાર દરમિયાન સુરત શહેરમાં ફટાકડા ફોડવાની મજા કેટલાક લોકો માટે અકસ્માતનું કારણ બની છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં શુક્રવારે રાત્રે ફટાકડા ફોડતી વખતે બાળકો સહિત છ લોકો દાઝી જવાની ઘટનાઓ સામે આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે પણ ફટાકડાને કારણે દાઝી જવાના ત્રણ બનાવો નોંધાયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમરેલીના મૂળ વતની અને હાલમાં વેલજા સ્થિત હરિદર્શન સોસાયટીમાં રહેતા હરેશભાઈ સોલંકીની 15 વર્ષીય પુત્રી માહિકા શુક્રવારે રાત્રે ઘરના ઓટલા પર બેઠી હતી. આ દરમિયાન તેનો નાનો ભાઈ ફટાકડા ફોડી રહ્યો હતો. ત્યારે ફટાકડામાંથી છૂટેલો તણખો માહિકાની આંખમાં વાગતાં તે દાઝી ગઈ હતી. પરિવારજનો તેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા.
આવી જ બીજી ઘટના ન્યૂ ભટારના હળપતિવાસ વિસ્તારમાં બની હતી. અહીં રહેતો 15 વર્ષીય સાવન રાઠોડ શુક્રવારે રાત્રે ઘરની નજીક ફટાકડા ફોડી રહ્યો હતો. તે દરમિયાન ફટાકડાના કારણે તેના માથાના ભાગે દાઝી જવાની ઇજા થતાં તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ઉધનાના શાસ્ત્રીનગરમાં રહેતા 20 વર્ષીય ચેતન રવિન્દ્ર રાજપૂત, પાંડેસરાના ગંગોત્રીનગરની 31 વર્ષીય નીતુ વિનય તિવારી, ભાઠેના ઉપનગરમાં રહેતો પાંચ વર્ષનો માહિર મોહમ્મદ અને પલસાણાના બલેશ્વર ગામની સાત વર્ષીય અંજલી શંકર ચૌહાણ પણ ફટાકડા ફોડતી વખતે દાઝી ગયાં હતાં અને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા.
