Surat News: સુરત શહેરમાં આર્થિક છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફરિયાદીને ઈ-કોમર્સ વેપારમાં ઘણો સારો નફો મળશે તેમ કહીને આરોપીએ 5.88 લાખની છેતરપિંડી આચરી હતી. આ અંગે ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા સુરત સાયબર ક્રાઈમ સેલની ટીમે મુંબઈથી એક આરોપીને પકડી લીધો છે. આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું કે, તેણે 12 હજાર કમિશન પેટે લઈને તેનું બેન્ક એકાઉન્ટ આપ્યું હતું.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, સુરતમાં રહેતા એક ફરીયાદીને ડેટિંગ એપમાં સંપર્ક કરી બનાવટી વેબસાઈટની લિંક મોકલવામાં આવી હતી. આ લિંક દ્વારા આરોપીઓએ ફરિયાદીની આઈડી બનાવડાવી હતી. તેમજ ઈ-કોમર્સ વેપારથી સારુ વળતર મળશે. તેવી લાલચ આપી હતી. જે બાદ ઈ-કોમર્સ વેપાર માટે ફરિયાદી પાસેથી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં કુલ રુ.5.88 લાખ ટ્રાન્સફર કરાવી લેવાયા હતા.
સાયબર ક્રાઈમ સેલે આરોપીને પકડ્યો
જ્યારે ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થઈ, ત્યારે તુરંત જ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે તપાસ હાથ ધરી સુરત સાયબર ક્રાઈમ સેલની ટીમે મુંબઈથી ઇમરાન યુસુફ બફાતી ખીલચી (ઉ.46) ને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, પકડાયેલા આરોપીએ પોતાની ફાર્મના નામનું HDFC બેંકનું કરંટ બેંક એકાઉન્ટ 12 હજારનું કમિશન લઈને દુબઈ ખાતે રહેતા નાસતા ફરતા આરોપીને સાયબર ફ્રોડમાં ઉપયોગ કરવા માટે આપ્યું હતું
બેન્ક ખાતામાં કરોડોનું ટ્રાન્ઝેક્શન
વધુમાં આ ગુનામાં ઉપયોગ થયેલા બેંક એકાઉન્ટમાં તા. 09-04-2021 થી 24-09-2026 સુધીમાં 1,36,05,550 રૂપિયાના ટ્રાન્જેકશનો થયા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ મામલે સુરત સાયબર ક્રાઈમ સેલની ટીમે પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.
