Surat Cyber Crime: વજન ઘટાડવા અને સ્કિન કેરના નામે કરોડો ઠગતી ગેંગના 5 માસ્ટરમાઈન્ડ ઝડપાયા

સુરત સાયબર ક્રાઈમ સેલે દેશભરની મહિલાઓને વજન ઘટાડવાની અને સ્કિન કેરના નામે છેતરતી Curest Science કૌભાંડના 5 માસ્ટરમાઈન્ડને ઝડપી લીધા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 30 Oct 2026 11:02 AM (IST)Updated: Fri, 30 Oct 2026 11:02 AM (IST)
surat-cyber-crime-arrest-5-accused-curest-science-wellness-fraud-scam

Surat Cyber Crime: સુરત સાયબર ક્રાઈમ સેલને એક મોટી સફળતા મળી છે. દેશના અલગ-અલગ રાજ્યોની મહિલાઓને વજન ઘટાડવાની તેમજ સ્કિન કેરની પ્રોડક્ટ્સના નામે છેતરીને કરોડો રૂપિયાનો ફ્રોડ આચરતી આંતરરાજ્ય ગેંગના 5 મુખ્ય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. અગાઉ પોલીસે હરિયાણાના ગુરુગ્રામ સ્થિત 'Curest Science & Wellness' કંપનીના કોલ સેન્ટર પર દરોડો પાડ્યો હતો, જ્યાં આશરે 160 જેટલા ટેલિકોલર્સ, એડવાઈઝર્સ અને કુરિયર બોય કામ કરતા હોવાનો ખુલાસો થયો હતો.

ઓનલાઈન છેતરપિંડીનો સમગ્ર ઘટનાક્રમ

મળતી માહિતી મુજબ, સુરતની એક મહિલાનો વોટ્સએપ પર સંપર્ક કરી ઠગબાજોએ 'ડો. આકાશ મલ્હોત્રા' તરીકે પોતાની ખોટી ઓળખ આપી હતી. મહિલાની સ્કિન પ્રોબ્લેમ વિશે જાણીને તેમની પાસે સ્કિનની દવાના નામે 'Curest Science & Wellness' કંપનીના QR કોડમાં રુ. 8 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. પરંતુ સ્કિન કેરની બદલે કુરિયર મારફતે વજન ઉતારવાની દવા મોકલી આપી હતી. ત્યારબાદ ફરીથી સ્કિનની દવાની લાલચ આપી વધુ રુ. 9 હજાર મેળવી લીધા હતા અને અગાઉના પૈસા પરત ન આપીને ઓનલાઈન છેતરપિંડી આચરી હતી. આ મામલે સુરત સાયબર ક્રાઈમ સેલમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય મહિલા સાથે છેતરપિંડીનો ખુલાસો

તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આ જ કૌભાંડી કંપની દ્વારા અગાઉ સુરતની અન્ય એક મહિલા સાથે રુ. 1,77,40,500ની વિશ્વાસઘાતપૂર્વક છેતરપિંડી કરવામાં આવી હતી. તે કેસમાં પોલીસે તપાસ હાથ ધરીને 'રાહુલ રાજ' નામ ધારણ કરનાર કુરિયર બોયની અટકાયત કરી હતી. તેની પૂછપરછના આધારે હરિયાણાના ગુરુગ્રામ સ્થિત કોલ સેન્ટર પર રેડ પાડવામાં આવી હતી. જ્યાંથી અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે માસ્ટરમાઈન્ડ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે ચક્રો ગતિમાન કરીને આખરે મુખ્ય 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ઝડપાયેલા આરોપીઓની વિગત:

  • અમિત ગૌરવ અશોકકુમાર ઝા (ઉં.વ. 31): B.Tech નો અભ્યાસ કરેલ છે. તે 'Curest Science & Wellness' તથા 'GLOZENIC SKIN CARE' કંપનીનો ડિરેક્ટર છે.
  • પંકજ અજયકુમાર શર્મા (ઉં.વ. 30): BBA નો અભ્યાસ કરેલ છે. તે 'Curest Science & Wellness' અને 'DIVYA ANTRA WELLNESS LLP' નો ડિરેક્ટર છે.
  • રૂપેશકુમાર સતીશ બત્રા (ઉં.વ. 43): ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. તે 'Curest Science & Wellness' કંપનીમાં પાર્ટનર છે.
  • પુનીતકુમાર રાજકુમાર (ઉં.વ. 43) તેણે ધોરણ 10 સુધીનો અભ્યાસ. તે 'Curest Science & Wellness' નો પાર્ટનર છે અને કુરિયર બોય ઓમ પ્રકાશના નામે 'VEDIC WORLD' કંપની ઊભી કરી પોતે સંભાળતો હતો.
  • દીપકકુમાર સુનીલકુમાર ગુપ્તા (ઉં.વ. 24): ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તે કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો.

આરોપીઓની મોડસ ઓપરેન્ડીનો ખુલાસો

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ લોકોને વજન ઉતારવાની દવા તથા સ્કીનની દવાના નામે છેતરી જુદા જુદા જુઠા વિશ્વાસો આપી મોટી રકમ ફ્રોડ કરી મેળવવા માટે (1) Curest Science & Wellness (2) Vedic World (3) Divya Antra Wellness LLP (4) Glozenic SkinCare નામની કંપનીઓ ઉભી કરી હતી અને કંપનીના લોગો અને બ્રાન્ડના નામ હેઠળ આકર્ષક પેકિંગમાં દવાના ફોટો દર્શાવી સોશ્યલ મીડિયાના માધ્યમથી એડવટાઈઝમેન્ટ કરતા હતા અને વજન ઘટાડવાની જુઠી વાતો અને વાયદા કરી દવા કોઈ સ્ટાન્ડર્ડ કુરિયર કંપની મારફતે મોકલે છે તેમ જણાવતા હતા.

હકીકતમાં ઠગબાજો દિલ્હીથી પોતાની કંપનીના જ જુદા જુદા એમ્પ્લોયોને કુરિયર બોય તરીકે પ્લેન/બાય ટ્રેન મોકલી દવાનો પાર્સલ આપતા. તેના બદલામાં હાથોહાથ મોટી રકમ રોકડા સ્વરૂપે મેળવી ગુનો આચરતા હોવાનું જણાય આવ્યું છે તેમજ કંપનીની ઓફિસમાં જુદી જૂદી ટીમ તરીકે આશરે 160 ટેલી કોલર્સ, એડવાઈઝર્સ, કુરિયર બોય વગેરે કામ પર રાખ્યા હોવાનું સામે આવ્યું હતું, આ કંપની દ્વારા દેશના જુદા રાજ્યોની મહિલાઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે.

બેંક ખાતાઓમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળ્યા

Curest Science And Wellness ના IDFC First Bank ના એકાઉન્ટમાં તા.01-01-2026 થી તા.29-06-2026 સુધી 6,99,06,268 રૂપિયા, Curest Science And Wellness ના કોટક મહિન્દ્ર બેંકના એકાઉન્ટમાં તા. 07-04-2025 થી 29-6-2026 સુધી 6,58,19,741 અને Curest Science And Wellness કંપનીના રોજર પે મર્ચન્ટ એકાઉન્ટમાં 8,30,95,532 રૂપિયાના ટ્રાન્જેકશન થયેલા હોવાની હકીકત પોલીસ તપાસમાં સામે આવી છે.