Surat: અલથાણમાં રહીને મોડલિંગ કરતી યુવતી અને તેના પ્રેમી વચ્ચેના વિખવાદમાં વધુ એક વળાંક આવ્યો છે. જેમાં પૂર્વ પ્રેમીએ મોડલના બિકિનીવાળા અશ્લિલ ફોટા ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરીને એસિડ એટેકની ધમકી આપતા સમગ્ર મામલે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
2018માં મોડલ અને વેપારી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો
અલથાણમાં રહેતી 28 વર્ષીય મોડેલ યુવતીને 2018માં સુરતના વેપારી મિતેશ જૈન સાથે પ્રેમ સબંધો બંધાયો હતો. જો કે યુવતીએ મિતેશ સાથેનો સબંધ કાપી નાંખતા તેણે ફેક આઈડી બનાવીને તેને પરેશાન કરવાનું શરૂં કર્યું હતુ.
વેપારીની હેરાનગતિથી કંટાળીને યુવતીએ અગાઉ અલથાણ પોલીસ મથકમાં તેના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જો કે આ કેસમાં પાછળથી સમાધાન થઈ જતાં ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવી હતી.
જો કે મિતેશે બદલાની ભાવનાથી ગત જુલાઈ-2025માં ફરિયાદી યુવતીની મોંઘીદાટ મર્સિડીઝ કારને આગને હવાલે કરી નાંખી હતી. આ મામલે પણ વેસુ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, આરોપીએ ફરિયાદીની દરેક હીલચાલ પર નજર રાખવા માટે તેની કારમાં છૂપી રીતે GPS ટ્રેકર લગાવ્યું હતુ. જેને લઈને પણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ સિવાય ડુમ્મસ સાયલન્ટ ઝોનમાં વેપારી અને મોડેલ યુવતી વચ્ચે માથાકૂટ થતાં વેપારીએ ફાયરિંગ કર્યું હતુ. આમ માથાભારે મિતેશ વિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ, ફાયરિંગ, કાર સળગાવવી અને IT એક્ટ અંતર્ગત 5 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે.
મને ન્યાય નહીં મળે તો મારે સ્યુસાઈડ કરવું પડશે
ગત 19 ફેબ્રુઆરીના રોજ મિતેશે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફરિયાદી યુવતીના બિકિની પહેરેલી બિભિત્સ તસવીરો સાથેની સ્ટોરી મૂકીને આડકતરી રીતે એસિડ એટેકની ધમકી આપી હતી. આમ મિતેશની કનડગતથી કંટાળેલી યુવતીએ આખરે અલથાણ પોલીસ મથકમાં મિતેશ જૈન વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીએ જણાવ્યું કે, મારા ડમી અવાજનો ઑડિયો વાયરલ કરીને મને બદનામ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. હવે જો મને ન્યાય નહીં મળે, તો મારી પાસે સ્યુસાઈડ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં બચે.
પૈસા ખાવા માટે દર ત્રણેક મહિને મારા વિરુદ્ધ FIR દાખલ કરે છે
બીજી તરફ વેપારીએ પોતાનો બચાવ કરતાં જણાવ્યું કે, મેં કોઈ ફોટા વાયરલ નથી કર્યાં. તે જે ફોટાની વાત કરી રહી છે, તે 2020થી ઈન્સ્ટાગ્રામમાં અપલોડ છે. મેં ભૂલથી એક ગ્રુપમાં શેર કર્યાં હતા, પરંતુ અડધા કલાકમાં જ ડિલિટ કરી દીધા હતા. મેં એસિડ એટેકની પણ કોઈ ધમકી આપી નથી. તેને મારી પાસેથી માત્ર પૈસા જ જોઈએ છે. આથી તે દર ત્રણેક મહિને મારા વિરુદ્ધ ખોટા-ખોટા આક્ષેપો કરીને FIR દાખલ કરાવે છે.
