Surat: વેપારી તરીકેનો સ્વાંગ રચીને રૂ. 2.45 કરોડની ઠગાઈ કરનાર બંટી-બબલીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે. આ ઠગ દંપતી સામે સુરત અને મુંબઈમાં ગુનો નોંધાયો છે
હકીકતમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, મમતાદેવી કુમાવત નામની મહિલા અને તેનો પતિ રાકેશ કુમાવત સુરત શહેર અને બહારના રાજ્યમાં આવેલ કાપડ માર્કેટોમાં દુકાનો ખોલી શરૂઆતમાં પોતાની પેઢીની શાખ ઉભી કરવા માટે કાપડ માર્કેટના ધંધાના નિયમ મુજબ સમયસર પેમેન્ટ ચુકવી વેપારીઓનો વિશ્વાસ જીતી લે છે. જે બાદ કરોડો રૂપિયાનો માલ ખરીદ કરી દુકાનો બંધ કરી નાસી જઇ ચિટીંગના ગુનાઓ આચરે છે.
તેઓ પોલીસ પકડથી બચવા માટે અવાર નવાર રહેણાંકના સ્થળ બદલતા હતા. હાલમાં આ ઠગ દંપતી ગોડાદરા હરીઓમ નગર પાસે રહે છે, જેથી પોલીસે રાકેશ ચંદ્રરામ કુમાવત, [ઉ.વ.35] અને તેની પત્ની મમતા દેવી [ઉ.30] ને ઝડપી પાડી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, મમતા દેવી વર્ષ 2024માં સુરતના ડીસીબી, સલાબતપુરા અને મુંબઈ લોકમાન્ય તિલકમાર્ગ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ છે, જયારે આરોપી રાકેશ પણ મુંબઈ લોકમાન્ય તિલકમાર્ગ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ છે. દંપતીએ ત્રણેય ગુનામાં કુલ 2,45,04,623 રૂપિયાનું ચીટીંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી રાકેશ ચંદ્રરામ કુમાવત અગાઉ સલાબતપુરા તેમજ ડી.સી.બી.પો.સ્ટે.ના ગુનામાં પકડાય ચુક્યો છે તે વખતે પોતાની પત્ની મમતાદેવી પોલીસ પકડથી દુર રહે તે માટે પોતાની પત્ની મમતાદેવીને એઇડસની બિમારી થઇ હોય જેથી તેને કાઢી મૂકી હોવાનું જણાવ્યું હતું. જો કે હાલમાં પોતાની પત્ની મમતાદેવીનું નામ બદલીને ‘ભારતાદેવી’ રાખી રહેતો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી મહિલાનો કબ્જો સલાબતપુરા પો.સ્ટે.ને તેમજ આરોપી રાકેશ ચંદ્રરામ કુમાવતનો કબ્જો મુંબઇ લોકમાન્ય તીલકમાર્ગ પોલીસ સ્ટેશનને સોપ્યો છે.
