સુરત ક્રાઇમ બ્રાન્ચનો મોટો પર્દાફાશ: નકલી ફૂડ ઇન્સ્પેક્ટર બની હોટલ-કેફે માલિકોને લૂંટતી ગેંગનો એક આરોપી ઝડપાયો

સુરત ક્રાઇમ બ્રાન્ચે નકલી ફૂડ ઇન્સ્પેક્ટર બની કેફે અને હોટલ માલિકો પાસેથી તોડબાજી કરતી ગેંગના એક આરોપીને આણંદથી ઝડપી પાડ્યો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 05 Nov 2026 12:54 PM (IST)Updated: Thu, 05 Nov 2026 12:54 PM (IST)
surat-crime-branch-busts-fake-food-inspector-gang-arrests-one-from-anand

હોટલ અને કેફે સંચાલકોને સરકારી ફૂડ ઇન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપી ચેકિંગના નામે નાણાં પડાવતી ગેંગનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે આણંદ ખાતેથી એક આરોપીને ઝડપી પાડી ડુમસ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

નકલી ફૂડ ઇન્સ્પેક્ટર બનીને છેતરપિંડી

પ્રાપ્ત વિગતો મુજબ, કેટલાક શખ્સો દ્વારા સુરત શહેરની હોટલ અને કેફેના સંચાલકોને ફૂડ ઇન્સ્પેક્ટર તરીકેની ખોટી ઓળખ આપી ચેકિંગના નામે પૈસાની માંગણી કરી ઠગાઈનો બનાવ બન્યો હતો. આ મામલે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સરકારી કર્મચારીઓની ખોટી ઓળખ આપી પૈસાની માંગણી કરતી ગેંગ હાલમાં આણંદ ખાતે કાર્યરત છે. ત્યારબાદ પોલીસ ટીમે આણંદમાં તપાસ હાથ ધરી હતી.

આરોપીઓએ કરી કબૂલાત

તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, આ ગુનાના આરોપીઓ નીરજ અને યોગેશ નામના બે શખ્સો હાલમાં ધ કેરેટર હોટલમાં રસોઈયા તરીકેનું કામ કરે છે. જેથી પોલીસે સરદાર પટેલ રાજમાર્ગ પર આવેલી ધ કેરેટર હોટલમાં તપાસ કરી હતી. જ્યાં યોગેશ ત્રિલોચન ભટ્ટ નામનો અન્ય શખ્સ ઝડપાયો હતો. પ્રાથમિક તપાસમાં તે હોટલમાં કુક તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે, ગત તા. 27 ઓક્ટોબર 2026ની રાત્રે આશરે 8થી 9 વાગ્યાથી તા. 28 ઓક્ટોબર 2026ના સાંજના 6:30 વાગ્યા દરમિયાન તેના સાગરીત નિરજે આણંદ ખાતેથી સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા ફ્લેમ્સ કેફેના સંચાલકનો વોટ્સએપ કોલ અને મેસેજ મારફતે સંપર્ક કર્યો હતો.

કેફે માલિકને વિશ્વાસમાં લઈ પૈસા પડાવ્યા

નિરજે પોતે સુરત મહાનગરપાલિકાનો સરકારી કર્મચારી અને ફૂડ ઇન્સ્પેક્ટર નીતિનભાઈ હોવાની ખોટી ઓળખ આપી કેફેમાં ચેકિંગ માટે આવવાનું હોવાનું જણાવ્યું હતું. ચેકિંગના ચાર્જ પેટે રૂ. 3,500 આપવાની માંગણી કરી હતી. આ ઉપરાંત કેફેને સારો રિવ્યૂ આપવાની અને તેના બદલામાં સર્ટિફિકેટ બનાવી આપવાની લાલચ આપી કેફેના માલિકને વિશ્વાસમાં લીધો હતો. આ રીતે અલગ-અલગ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. 29,090 આરોપીના બેંક ઓફ બરોડાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે આરોપી સામે કાર્યવાહી કરી

આ મામલે પોલીસે આરોપી યોગેશ ત્રિલોચન ભટ્ટ (ઉ.30)ને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ કાર્યવાહી માટે આરોપીને ડુમસ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.આરોપીઓ સરકારી અધિકારી હોવાની ખોટી ઓળખ આપી હોટલ અને કેફે સંચાલકોને નિશાન બનાવતા હોવાનું સામે આવતાં આ ગેંગની અન્ય સંડોવણી અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.