Surat News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સુરત શહેરને ભૂગર્ભ જળ સંચય ક્ષેત્રે અગ્રેસર બનાવવાના ભગીરથ સંકલ્પ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-એ (ઉધના) વિસ્તારના બમરોલી ખાતેથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે વિવિધ 151 સ્થળોએ અંદાજિત રૂ.2.04 કરોડના ખર્ચે ગ્રાઉન્ડ વોટર રીચાર્જ બોરવેલના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ તકે મેયર માયાબેન માવાણી પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
સેવા કાર્યમાં ગુજરાત રાજ્યનું મોખરાનું સ્થાન
આ અવસરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે મોખરે રહ્યું છે. તેમાં પણ સુરત શહેર દરેક સેવાકાર્યમાં નવા રેકોર્ડ સર્જવા માટે જાણીતું છે. જનસેવાની આ પરંપરા સુરત શહેરની આગવી ઓળખ બની ચૂકી છે. વરસાદનું પાણી જ્યાં પડે ત્યાં જ એને ઝીલીને જમીનમાં ઉતારવું એ સમયની માગ છે. આ રાષ્ટ્રીય અભિયાનની શાનદાર શરૂઆત 6 સપ્ટેમ્બર 2024ના રોજ સુરતથી કરવામાં આવી હતી.
દેશમાં 1 કરોડથી વધુ જળ સંચય સ્ટ્રક્ચરનું નિર્માણ
આગળ જણાવ્યું કે, આજે જનભાગીદારીના બળે સમગ્ર દેશમાં 1 કરોડ 55 લાખથી વધુ જળ સંચય સ્ટ્રક્ચર્સનું નિર્માણ થઈ ચૂક્યું છે. જેના થકી વાર્ષિક 12 BCM (બિલિયન ક્યુબિક મીટર)થી વધુ પાણી જમીનમાં ઉતારવામાં સફળતા મળી છે. ભૂગર્ભ જળનો ઉપયોગ કરીને આપણે જે ‘ધરતી માતા’નું ઋણ લીધું છે, તેને પરત ચૂકવવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. રેઈન વોટર હાર્વેસ્ટિંગથી માત્ર બોરવેલ કે જમીનના પાણીના સ્તર ઊંચા નથી આવતા, પરંતુ પાણીની ક્વોલિટીમાં પણ મોટો સુધારો કરે છે.
ઉધના ઝોનમાં 151 બોરવેલથી જળસંચયને વેગ
જળશક્તિ મંત્રી સી. આર પાટીલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનગમતા વિષય 'કેચ ધ રેન' અને 'રેન વોટર હાર્વેસ્ટિંગ' અભિયાનને આગળ ધપાવતા સુરતમાં 6,હજારથી વધુ સ્ટ્રક્ચર બનાવ્યા છે. ઉધના ઝોનમાં 151 બોરવેલથી જળસંચયની કામગીરીને વેગ મળશે. ચોમાસામાં વહી જતા પાણીને જમીનમાં ઉતારવાથી ધરતીમાતાનું ઋણ ચૂકવાશે, ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને તેની ગુણવત્તા સુધરશે. આ સાથે જ ચોમાસા દરમિયાન શહેરમાં થતા વોટર લોગિંગ અને ભરાતા પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે, જેનાથી ડામરના રોડનું આયુષ્ય વધશે અને સ્થાનિક નાગરિકોની હાલાકી દૂર થશે.
30 દિવસીય સેવાકીય પખવાડિયાની ઉજવણી
વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના સેવા કાર્યકાળના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે 17મી સપ્ટેમ્બરથી 17મી ઓક્ટોબર સુધી 30 દિવસીય સેવાકીય અને સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તકે તેમણે સુરતને સ્વચ્છતામાં દેશભરમાં પ્રથમ ક્રમાંકે પહોંચાડનાર સફાઈકર્મીઓનું સન્માન કરીને, તેમના યોગદાન અને સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી.
આ ખાતમુહૂર્ત પ્રસંગે મેયર માયાબેન માવાણી, ડે. મેયર સુધાકર ચૌધરી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, દંડક ઉર્મિલા ત્રિપાઠી, શાસક પક્ષ નેતા અલ્પાબેન મહેતા, ધારાસભ્ય મનુભાઈ પટેલ, શહેર સંગઠન અધ્યક્ષ પરેશભાઈ પટેલ, કોર્પોરેટરો, મનપાના અધિકારીઓ-પદાધિકારીઓ, વિવિધ સમિતિના ચેરમેનો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
