Surat: પુત્રવધૂને બ્લેકમેઈલ કરી દુષ્કર્મ ગુજારનાર સસરાને કોર્ટે ફટકારી 10 વર્ષની કેદની સજા

સુરતના ઓલપાડમાં પુત્રવધૂને બ્લેકમેઈલ કરી દુષ્કર્મ ગુજારનાર સસરાને કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 30 May 2026 03:15 PM (IST)Updated: Sat, 30 May 2026 03:15 PM (IST)
surat-court-sentences-father-in-law-10-years-rape-case

Surat News: ઓલપાડ તાલુકામાં રહેતી એક પરિણીતાના અન્ય યુવક સાથેના આડા સંબંધોની જાણ તેના પિયરપક્ષમાં કરી દેવાની ધમકી આપી, બ્લેકમેલ કરીને પુત્રવધૂ પર દુષ્કર્મ ગુજારનારા સસરાને કોર્ટે કડક સજા ફટકારી છે. કોર્ટે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓ ધ્યાને રાખીને આરોપી સસરાને તકસીરવાર ઠેરવી 10 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે.

પરીણિતાએ અન્ય યુવક સાથે સંબંધ રાખ્યો

આ ચકચારી કેસની વિગતો મુજબ, ઓલપાડ ખાતે રહેતી ભોગ બનનાર મહિલા અને તેના પતિ વચ્ચે પતિના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સંબંધો મુદ્દે અવારનવાર ઝઘડા થતા હતા. આ વિવાદ દરમિયાન પતિએ પત્નીને ટોણો મારતા કહ્યું હતું કે, તારે પણ જો બીજા કોઈની સાથે સંબંધ રાખવા હોય તો રાખ, મને કોઈ વાંધો નથી. પતિના આવા વલણ બાદ પરિણીતાએ પણ નજીકમાં જ રહેતા એક અન્ય યુવક સાથે સંબંધ રાખ્યા હતા અને પોતાના સોનાના ઘરેણાં પણ તેને આપ્યા હતા.

સસરાએ પુત્રવધુ પર દુષ્કર્મ ગુજાર્યું

પુત્રવધૂના આ આડા સંબંધોની ગંધ તેના સસરાને આવી ગઈ હતી. સસરાએ તકનો લાભ ઉઠાવી પુત્રવધૂને એકાંતમાં બોલાવીને ધમકાવી હતી કે, તારા અન્ય યુવક સાથે સંબંધ છે અને તેં ઘરેણાં પણ આપી દીધા છે .તે બધી જ બાબતોની મને ખબર છે. જો તું મારી વાત નહીં માને તો હું આ બધી હકીકત તારા પિયરના લોકોને જણાવી દઈશ. પિયરમાં બદનામી થવાના ડરથી મહિલાએ વિનંતી કરી ત્યારે સસરાએ તેની પાસે શારીરિક સંબંધની માંગણી કરી હતી અને ધમકીના જોરે તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

આરોપી સસરાને 10 વર્ષની સજા

સસરાના આ ત્રાસ અને કૃત્યથી કંટાળીને આખરે પુત્રવધૂએ હિંમત ભેગી કરીને ઓલપાડ પોલીસ મથકમાં સસરા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ સુરતની કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો. જેમાં બંને પક્ષોની દલીલો અને પુરાવાઓ ધ્યાને રાખીને આરોપી સસરાને તકસીરવાર ઠેરવી 10 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે.