Surat News: ઝારખંડના ગિરિડીહ જિલ્લાના પારસનાથ સ્થિત જૈન તીર્થધામ સમેતશિખરજીની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહેલા સુરતના જૈન પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મોડીરાત્રે આશરે 10 વાગ્યે યાત્રાળુઓની બસ ઝાડ સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સુરતના કાપડ દલાલ બાબૂલાલ વંશરાજ જૈન અને તેમનાં પત્ની બદામી દેવીનાં મોત નીપજ્યાં હતાં. જોકે, તેમનો 25 વર્ષીય પુત્ર ભાવેશ બીજી બસમાં મુસાફરી કરી રહ્યો હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાથી સુરતના જૈન સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે.
10 વાગ્યે યાત્રાળુઓની બસ ઝાડ સાથે અથડાઈ
મળતી માહિતી અનુસાર, સુરતના જૈન શ્રદ્ધાળુઓનો સંઘ 10 નવેમ્બરની રાત્રે યાત્રા માટે રવાના થયો હતો. ટ્રેન મારફતે ઝારખંડ પહોંચ્યા બાદ શ્રદ્ધાળુઓએ પારસનાથ સ્થિત સમેતશિખરજીની યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રા પૂર્ણ થયા બાદ તમામ શ્રદ્ધાળુઓ ટાટાનગરથી ટ્રેન પકડી પરત ફરવાની તૈયારીમાં હતા. આ દરમિયાન મોડીરાત્રે આશરે 10 વાગ્યે યાત્રાળુઓની એક બસ ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં 12થી વધુ લોકો ઘાયલ થયા હતા, જ્યારે સુરતના બાબૂલાલ જૈન અને તેમનાં પત્ની બદામી દેવીનાં કરુણ મોત થયાં હતાં.
પતિ પત્નીના કરુણ મોત
આ યાત્રામાં બાબૂલાલ જૈન, તેમનાં પત્ની બદામી દેવી અને તેમનો 25 વર્ષીય અપરિણીત પુત્ર ભાવેશ એમ પરિવારના ત્રણ સભ્યો જોડાયા હતા. જોકે, યાત્રા પૂર્ણ કરીને પરત ફરતી વખતે ભાવેશ બીજી બસમાં મુસાફરી કરી રહ્યો હતો. તેના કારણે તે અકસ્માતનો ભોગ બનતાં બચી ગયો હતો. બીજી તરફ, બાબૂલાલ જૈન અને બદામી દેવી જે બસમાં સવાર હતાં તે બસ ઝાડ સાથે અથડાતાં બંનેનાં ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યાં હતાં. એક જ પરિવારના બે સભ્યોનાં મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.
રાત્રે 9:30 વાગ્યે છેલ્લું સ્ટેટસ અપલોડ કર્યું
આ ઘટનાને લઈને એક ભાવુક વિગતો પણ સામે આવી છે. અકસ્માત પહેલાં બદામી દેવીએ મુનિસુવ્રત સ્વામી, પાર્શ્વનાથ ભગવાન અને ભૂમિયાજીની પૂજા કરતા ત્રણથી ચાર વ્હોટ્સએપ સ્ટેટસ મૂક્યાં હતાં. તેમણે રાત્રે 9:30 વાગ્યે છેલ્લું સ્ટેટસ અપલોડ કર્યું હતું. ત્યારબાદ માત્ર 45 મિનિટમાં એટલે કે રાત્રે 10:15 વાગ્યે પરિવારજનોને બસ અકસ્માતના સમાચાર મળ્યા હતા. ધાર્મિક યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહેલા દંપતી સાથે બનેલી આ દુર્ઘટનાએ સ્વજનોને આઘાતમાં મૂકી દીધા છે.
મૃતક બાબૂલાલ વંશરાજ જૈન ટેક્સટાઇલનો વ્યવસાય કરતા હતા
મૃતક બાબૂલાલ વંશરાજ જૈન સુરતમાં ટેક્સટાઇલ એટલે કે કાપડ દલાલીનો વ્યવસાય કરતા હતા. તેમનો 25 વર્ષીય પુત્ર ભાવેશ પણ પિતાની સાથે જ વ્યવસાયમાં જોડાયેલો હતો. પરિવાર ધાર્મિક પ્રવૃત્તિઓમાં ખાસ શ્રદ્ધા ધરાવતો હતો અને અવારનવાર જાત્રાઓમાં ભાગ લેતો હતો. આ વખતે પણ સમાજ દ્વારા આયોજિત સંઘ સાથે પરિવાર સમેતશિખરજીની યાત્રાએ ગયો હતો.
અંતિમવિધિ તીર્થભૂમિ પર જ કરવામાં આવશે
સમેતશિખરજીની પવિત્ર યાત્રા પૂર્ણ કર્યા બાદ પરત ફરતી વખતે બનેલી આ દુર્ઘટનામાં દંપતીએ જીવ ગુમાવતાં સુરતના જૈન સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જૈન પરંપરા મુજબ બાબૂલાલ જૈન અને બદામી દેવીની અંતિમવિધિ (વૈકુંઠી) તીર્થભૂમિ પર જ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું.
