Sunita Williams Return: અવકાશ યાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર પરત ફર્યા છે ત્યારે આખા વિશ્વને આનંદ છે એવામાં સુરત શહેરમાં શાળાના બાળકોએ વિઘ્નહર્તા ગણપતી બાપાને પ્રાર્થના કરી થેંક્યું કહીને પૂજા અર્ચના કરી હતી. વિદ્યાકુંજ શાળા પરિવાર દ્વારા આ બંને અવકાશયાત્રીઓ જલ્દી સ્વસ્થ થાય તે માટે પણ ગણપતિ બાપાને પ્રાર્થના કરી હતી.
ભારતીય મૂળનાં અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના અને 14 દિવસ પછી પૃથ્વી પર પાછાં ફર્યાં છે. તેમની સાથે ક્રૂ-9 ના બે વધુ અવકાશયાત્રીઓ અમેરિકાના નિક હેગ અને રશિયાના એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ છે. તેમનું ડ્રેગન અવકાશયાન 19 માર્ચે ભારતીય સમય મુજબ સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયામાં લેન્ડ થયું હતું. અવકાશ યાત્રીઓ સહી સલામત પૃથ્વી પર પરત ફરતા આખા વિશ્વમાં આનંદની લહેર છે.
સુરતમાં આવેલી વિદ્યાકુંજ સ્કૂલના બાળકોએ ભગવાન ગજાનંદને પૂજા અર્ચના કરી છે. જયારે અવકાશયાત્રી અંતરીક્ષમાં ફસાયા હતા ત્યારે ત્યારે આ શાળાના નાના ભૂલકા ઓ એ પોતાના હાથે જ 350 થી વધુ માટીના ગણપતિની મૂર્તિઓ બનાવી હતી અને અવકાશ યાત્રીઓ અંતરીક્ષમાંથી સહી સલામત પાછા આવે તે માટે ભગવાન ગજાનંદને પ્રાર્થના કરી હતી આજે અવકાશ યાત્રીઓ સહી સલામત પૃથ્વી પર પરત ફર્યા છે ત્યારે શાળાના ભૂલકાઓએ ભક્તિ ભાવપૂર્વ ભગવાન ગણપતિ બાપાનું પૂજન કરી ભગવાન ને THANK YOU કહ્યું હતું.
વિધાકુંજ શાળાના મહેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે વિધાકુંજ શાળામાં આજે થેંક્યું ગણપતી બાપા અને વેલકમ સુનીતા વિલિયમ્સ અને વિલ મોરને કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો. 6 જુન 2024ના રોજ આ બંને અવકાશયાત્રી અવકાશ યાત્રાએ ગયા હતા માત્ર 8 દિવસ માટે. પરંતુ ટેકનીકલ ખામીના કારણે તેઓ પરત ફરી ના શકતા અનેક દિવસો વીત્યા અને આખું વિશ્વ ચિંતામાં મુકાયું, ત્યારે ભગવાનને પાર્થના સર્વે કરતા હતા. એમાં અમારી વિધાકુંજ શાળાના બાળકોએ ગણેશ ચતુર્થી નિમિતે વિઘ્નહર્તા ગણેશજીની અમે સ્થાપના કરી હતી. 351 મૂર્તિઓ બાળકોએ બનાવી હતી અને તેની સ્થાપના કરી બે દિવસ સુધી એમની આરાધના કરી વિનંતી કરી હતી કે આ બંને અવકાશ યાત્રીઓના જે કંઈ વિધ્નો છે તે દુર કરો અને જલ્દી હેમખેમ પાછા ફરે તે માટે પ્રાર્થના કરી હતી,
આજે કહેતા આનંદ થાય છે કે અમારી પ્રાર્થના, અમારા બાળકોની પ્રાર્થના, ભગવાન હંમેશા સાંભળતા હોય છે કારણ કે બાળકો પણ ભગવાનનું સ્વરૂપ છે એટલે એ પ્રાર્થના સાંભળી અને ગઇ કાલે રાતે સુનિતા વિલિયમ્સ અને વિલ મોર આ બંને હેમખેમ પૃથ્વી પર પાછા ફર્યા ત્યારે આખા વિશ્વને આનંદ છે, પરતું એનાથી વિશેષ અમારી શાળાના બાળકોને આનંદ છે. એટલા માટે આજે અમારે ગણપતી બાપાને થેંક્યું કહેવું હતું અને એમને થેંક્યું કહ્યું, એમની પૂજા કરી આરતી ઉતારી અને મોદકનો પ્રસાદ ધરાવીને રાજી કર્યા છે એમને વિનંતી કરી છે. આ બંને અવકાશયાત્રીઓનું સ્વાસ્થ્ય જલ્દી તંદુરસ્ત થઇ જાય અને ફરીથી એ બંને પુનઃ કાર્યરત થાય એવી પ્રાર્થના અમે કરી છે.
