સુરતમાં ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી ગયેલા યુવકે કારનો કાચ તોડી અઢી લાખ રૂપિયા ચોર્યા, ચાલવાની ઢબથી પોલીસ પકડમાં આવ્યો.

સુરતના સલાબતપુરા વિસ્તારમાં ટેક્સટાઈલ માર્કેટના પાર્કિંગમાંથી કારનો કાચ તોડી 2.50 લાખ ચોરનાર આરોપીને પોલીસે તેની ચાલવાની આગવી ઢબના આધારે ઝડપી પાડ્યો છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 20 Sep 2026 11:21 PM (IST)Updated: Sun, 20 Sep 2026 11:21 PM (IST)
surat-car-theft-online-gaming-debt-leads-to-rs-25-lakh-robbery

Surat Crime News: સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા ટેક્સટાઈલ માર્કેટના પાર્કિંગમાંથી કારનો કાચ તોડી અઢી લાખ રૂપિયા ભરેલી બેગ ચોરી જનાર ઇસમની પોલીસે ધરપકડ કરી લીધી છે. આશ્ચર્યની વાત તો એ છે કે આરોપી કોઈ પ્રોફેશનલ ચોર ન હતો, પરંતુ ઓનલાઈન ગેમિંગમાં નાણાં હારી જવાથી થયેલા દેવાને કારણે અપરાધના રસ્તે ચડ્યો હતો.

વેપારીની નજર ચૂકવીને ચોરી

17 સપ્ટેમ્બર 2026ના રોજ સલાબતપુરા સ્થિત મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટ-1માં એક કાપડ વેપારી પોતાના માલની ડિલિવરી આપવા માટે આવ્યા હતા. તેમણે પોતાની કાર બેઝમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરી હતી. બપોરે ચારેક વાગ્યે જ્યારે વેપારી પરત આવ્યા, ત્યારે તેમણે જોયું કે કારની ડાબી બાજુનો કાચ ખુલ્લો હતો અને અંદર રાખેલી 2.50 લાખ રૂપિયા રોકડા ભરેલી બેગ ગાયબ હતી. આ અંગે વેપારીએ તરત જ સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

સીસીટીવી ફૂટેજ અને ચાલવાની વિશિષ્ટ ઢબ બની પોલીસનું હથિયાર

પોલીસ માટે આ કેસને ઉકેલવો મોટો પડકાર હતો કારણ કે આરોપી ચોરી કરતા પહેલા અને પછી વાહનનો ઉપયોગ કરવાને બદલે મોટાભાગે ચાલીને અવરજવર કરતો હતો. સુરત પોલીસ કંટ્રોલરૂમ અને આસપાસના વિસ્તારના 100થી વધુ સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસવામાં આવ્યા ત્યારે આરોપીનો ચહેરો તો અસ્પષ્ટ હતો, પરંતુ તેની ચાલવાની આગવી અને વિશિષ્ટ ઢબ સ્પષ્ટપણે નજરે પડી હતી. આ એક જ સગાઈના આધારે પોલીસે તેને ટ્રેક કરવાનું શરૂ કર્યું. તપાસમાં એ પણ સામે આવ્યું કે ચોરીના દિવસે તેણે અન્ય માર્કેટના પાર્કિંગમાં પણ ગાડીઓ ફંફોસી હતી પરંતુ નિષ્ફળ જતાં મિલેનિયમ માર્કેટને નિશાન બનાવ્યું હતું.

પોલીસની ખાનગી વોચ અને ફિલ્મીઢબે પકડ

આરોપી વધુ એક વખત ટેક્સટાઈલ માર્કેટના બેઝમેન્ટમાં ચોરી કરવા માટે આવી શકે છે તેવી આશંકાએ સ્થાનિક પોલીસે સાદા વેશમાં ખાનગી વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક શખ્સ મોઢા પર માસ્ક બાંધીને બેઝમેન્ટમાંથી બહાર નીકળતો નજરે પડ્યો. પોલીસકર્મીઓને તેની ચાલવાની ઢબ સીસીટીવી ફૂટેજવાળા શખ્સ સાથે મેચ થતી દેખાતા તેને અટકાવવામાં આવ્યો. માસ્ક કાઢીને પૂછપરછ કરતાં જ તેણે મિલેનિયમ માર્કેટમાંથી અઢી લાખની ચોરી કર્યાની કબૂલાત કરી લીધી હતી. પોલીસે તેની પાસેથી પૂરેપૂરી રકમ રિકવર કરી લીધી છે.

ઓનલાઈન ગેમિંગનું જોખમ અને આરોપીની ઓળખ

પકડાયેલા આરોપીની ઓળખ પ્રિન્સ ઉર્ફે કાળુ પ્રવીણભાઈ મેંદપરા (ઉંમર 28 વર્ષ) તરીકે થઈ છે. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો કે તેને ઓનલાઈન ગેમિંગ રમવાની લત હતી જેમાં તે મોટા પ્રમાણમાં રૂપિયા હારી ગયો હતો અને તેના પર મોટું દેવું થઈ ગયું હતું. આ દેવું ચૂકવવા માટે જ તેણે આ ચોરીને અંજામ આપ્યો હતો. પ્રથમ ચોરી સફળ થયા બાદ લોભમાં આવીને તે ફરીથી માર્કેટમાં હાથ ફેરો કરવા આવ્યો હતો અને પોલીસના હાથે ઝડપાઈ ગયો. સલાબતપુરા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ચલાવી રહી છે.