સુરતથી વધુ એક અંગદાન, 56 વર્ષીય બ્રેઈનડેડ મંજુલાબેનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન; 5 લોકોને મળ્યું નવજીવન

લિવર અને બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ દર્દીમાં અમદાવાદની IKDRC ખાતે કરવામાં આવશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 04 Oct 2026 04:17 PM (IST)Updated: Sun, 04 Oct 2026 04:17 PM (IST)
surat-brain-dead-woman-manjulaben-patel-organ-donation-gives-new-life-to-five-people
સુરતથી 56 વર્ષીય બ્રેઈનડેડ મંજુલાબેનનું અંગદાન

Surat Organ Donation: સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન કરાવવામાં આવ્યું છે. 56 વર્ષીય મંજુલાબેન કાંતિભાઈ પટેલ બ્રેઈનડેડ થતા પટેલ પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી તેમના કિડની, લિવર અને બંને ચક્ષુનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

મળતી માહિતી મુજબ, મંજુલાબેનના 62 વર્ષીય પતિ કાંતિભાઈ ખેતીવાડી સાથે સંકળાયેલા છે. જ્યારે 34 વર્ષીય પુત્ર જેનીશ ધારાસભ્ય મુકેશભાઈ પટેલની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે અને 33 વર્ષીય પુત્રી મોનિકા પરણિત છે. સુરતના ઓલપાડમાં મંદિર ફળિયા ખાતે પરિવાર સાથે રહેતા 56 વર્ષીય મંજુલાબેન કાંતિભાઈ પટેલ ગત 1 ઓક્ટોબરના રોજ બપોરે 3:30 કલાકે પતિ સાથે ટુ-વ્હીલર પર કવાસ ગામથીનઘોઈ પરત ફરી રહ્યા હતા.

ભેસાણ ચોકડી પાસે અજાણ્યા વાહને તેમના વાહનને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. રાહદારીએ તાત્કાલિક ઈજાગ્રસ્ત મહિલાને શ્રી હોસ્પિટલ લઈ ગયા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને લાઈફલાઈન મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં જનરલ સર્જન ડૉ. નૈનેશ પટેલની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ. મોદીએ ક્રેનિયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો.

જોકે, 3 ઓક્ટોબરના રોજ ન્યુરોસર્જન ડૉ. હરીન મોદી, ફિઝિશિયન ડૉ. અંકુર ચૌધરી, જનરલ સર્જન ડૉ. નૈનેશ પટેલ અને મેડિકલ ઓફિસર ડૉ. સલોની પટેલેમંજુલાબેનનેબ્રેઈનડેડ જાહેર કર્યા હતા. પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે ડોનેટ લાઈફના CEO અને ટ્રસ્ટી નીરવ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી મંજુલાબેનના બ્રેઈનડેડ અંગે અને પરિવારની અંગદાનની ઈચ્છા અંગે જાણકારી આપી હતી.

ડોનેટ લાઈફ ટીમે હોસ્પિટલ પહોંચી મંજુલાબેનના પતિ કાંતિભાઈ, પુત્ર જેનીશ, પુત્રી મોનિકા, જમાઈ હિરેનભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યું હતું. મંજુલાબેનના પતિ કાંતિભાઈએ જણાવ્યું હતું કે, "મારી ધર્મપત્ની બ્રેઈનડેડ છે, તેના અંગો તો રાખ થઈ જવાના છે. ત્યારે તેના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તેટલા અંગોનું દાન કરાવી અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો."

લાઈફલાઈન હોસ્પિટલ OTRH હેઠળ રજિસ્ટર્ડ ન હોવાથી ડોનેટ લાઈફ દ્વારા SOTTO નું માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું. SOTTO દ્વારા કેસની ચકાસણી કર્યા બાદ લાઈફલાઈન મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલને ઓર્ગન એન્ડ ટીશ્યુ રિટ્રાઈવલ હોસ્પિટલ (OTRH) તરીકે વન-ટાઈમ પરમિશન આપવામાં આવી હતી. લિવર અને બંને કિડનીનુંએલોકેશનઅમદાવાદની IKDRC હોસ્પિટલને કરવામાં આવ્યું હતું.

દાનમાં મેળવેલ લિવર અને બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ દર્દીમાં અમદાવાદની IKDRC ખાતે કરવામાં આવશે. ચક્ષુઓનું દાન લોકદૃષ્ટિ ચક્ષુ બેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું. કિડની અને લીવર સમયસર રોડ માર્ગે અમદાવાદની IKDRC પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, હૃદય, ફેફસાં, હાથ, નાનું આંતરડું, લીવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા-જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 145 ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે. જ્યારે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં કુલ 1409 અંગો અને ટિશ્યુનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં 564 કિડની, 246 લીવર, 59 હૃદય, 56 ફેફસાં, 10 પેન્ક્રિયાસ, 11 હાથ અને 462 ચક્ષુઓનો સમાવેશ થાય છે.