Surat Minor Boy Suicide: સુરત શહેરમાંથી અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘરમાં ભાઈ-બહેન વચ્ચે ચાલતી મસ્તી અને ઝઘડા બાદ માતાએ આપેલો સામાન્ય ઠપકો એક 13 વર્ષના બાળક માટે કાળ સાબિત થયો છે. માતાના ઠપકાથી મનમાં માઠું લાગી આવતા આ બાળકે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.
માતાના કડક ઠપકાથી બાળકને માઠું લાગ્યું
મળતી માહિતી અનુસાર, આ દુઃખદ બનાવ સુરતના ભેસાણ ગામમાં રહેતા એક પરિવાર સાથે બન્યો છે. આ પરિવારનો 13 વર્ષનો દીકરો ધોરણ 8 માં અભ્યાસ કરતો હતો. ઘરે જ્યારે ભાઈ અને બહેન અંદરોઅંદર મસ્તી તેમજ સામાન્ય ઝઘડો કરતા હતા, ત્યારે તેમની માતાએ શાંત રાખવા માટે ઠપકો આપ્યો હતો. આ ઠપકો આપ્યા બાદ, માતા પોતાના કોઈ સરકારી કામ અર્થે ઘરની બહાર ગયા હતા.
દીકરાનો લટકતો દેહ જોઈ માતા ધ્રુજી ઉઠી
માતા જ્યારે પોતાના સરકારી કામો પૂર્ણ કરીને ઘરે પરત આવ્યા, ત્યારે ઘરમાં પ્રવેશતાં જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમણે પોતાના વ્હાલસોયા દીકરાને ઘરમાં ગળે ફાંસો ખાધેલી અત્યંત ગંભીર હાલતમાં જોયો હતો . સામાન્ય બાબતમાં દીકરાએ આટલું મોટું અને આત્મઘાતી પગલું ભરી લેતા પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા મૃતકના સંબંધી રાકેશભાઈએ જણાવ્યું કે, ઘરમાં બંને ભાઈ-બહેન થોડો ઝઘડો કરતા, એટલે બંનેને ઠપકો આપ્યો હતો. મારી બહેન આધાર કાર્ડ-પાન કાર્ડ સુધારવા આપ્યું હતું, તે લેવા ગઈ અને 20 મિનિટ બાદ પરત આવી ત્યારે છોકરાએ ગળે ફાંસો ખાઈ લીધો હતો. હું બધા મા-બાપને મેસેજ આપવા માંગું છું કે તમારા છોકરાને ફોનથી દૂર રાખો અને સાચવો, બસ.
આ સમગ્ર ગંભીર મામલાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ચકચારી કેસમાં બાળકના આત્મઘાત પાછળના અન્ય કોઈ પાસાઓ છે કે નહીં તે જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
