Surat News: ગુજરાતમાં સુરત જિલ્લાના માંડવી તાલુકાના આદિવાસી ગામ બલેઠીએ જંગલ સંરક્ષણ અને સંયુક્ત વન વ્યવસ્થાપન ક્ષેત્રે એક અનોખો અને પ્રેરણાદાયી ઇતિહાસ રચ્યો છે. વર્ષ 1986 થી 1988 દરમિયાન સતત ત્રણ વર્ષના દુષ્કાળના કારણે બલેઠી ગામની આસપાસના જંગલો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. તે સમયે ગામના વડીલ જાગુદાદા અને કિશોરભાઈ ચૌધરીની આગેવાની હેઠળ ગ્રામજનોએ સ્વયં પોતાના જંગલનું રક્ષણ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આ ભગીરથ કાર્યને બલેઠી ગામના જંગલ પુનઃનિર્માણ અને ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ વિનયભાઈ કિશોરભાઈ ચૌધરી અને ગામજનો સાથે મળીને આગળ વધારી રહ્યા છે.
'સેન્ટર ઓફ એક્સેલન્સ'તરીકે વિકસાવવાની રજૂઆત
ગામજનોએ સાથે મળીને બલેઠી ગામના ઐતિહાસિક શાળાના મકાનને પુનઃસ્થાપિત કરીને 'સેન્ટર ઓફ એક્સેલન્સ'તરીકે વિકસાવવાની રજૂઆત વન વિભાગને કરી છે જેને તાજેતરમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીના માર્ગદર્શનમાં શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આગામી સમયમાં આ 'સેન્ટર ઓફ એક્સેલન્સ' કાર્યરત થવાથી આગામી 05 વર્ષમાં ગુજરાતની 3,414 JFM સમિતિઓમાંથી 2,500 સમિતિઓના આશરે 7,500 સભ્યોને બલેઠીના અનુભવી ગ્રામજનો દ્વારા જ તાલીમ આપવામાં આવશે.આ પહેલથી રાજ્યના અન્ય ગામને પણ હરિયાળી ક્રાંતિની દિશામાં કામ કરવાની પ્રેરણા અને માર્ગદર્શન મળશે.
આ રહી અનોખા બલેઠી મોડેલની મુખ્ય લાક્ષણિકતાઓ:
- સુરક્ષા અને પહેરો: ગામના દરેક ઘરમાંથી એક સભ્ય સામેલ થાય તેવી 15 પેટ્રોલીંગ ટુકડીઓ બનાવીને જંગલનો ચોકી પહેરો કરવામાં આવ્યો.
- ઉત્પાદનની સમાન વહેંચણી: રક્ષિત જંગલમાંથી ઘાસ, લાકડાં, વાંસ વગેરે ઉત્પાદન તમામ સભ્યો વચ્ચે સમાન ધોરણે વહેંચવામાં આવ્યા.
- વિકલ્પ અને આજીવિકા: 162 બાયોગેસ પ્લાન્ટ અને 4 ચેકડેમ બનાવી જંગલ પરનું દબાણ ઘટાડવામાં આવ્યું.
- સહકારી મંડળી: 'જંગલના પુનઃ નિર્માણ અને ગ્રામ વિકાસ સહકારી મંડળી લિ.' તરીકે નોંધણી કરાવી 229 હેક્ટર જંગલ વિસ્તાર માટે 'અધિકાર પત્ર' મેળવવામાં આવ્યા.
- રાષ્ટ્રીય એવોર્ડ: બલેઠીની આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ વર્ષ 1998માં નવી દિલ્હી ખાતે તત્કાલીન કેન્દ્રીય વન મંત્રીના હસ્તે ‘ઇન્દિરા પ્રિયદર્શિની વૃક્ષમિત્ર એવોર્ડ’ જેમાં રૂ. 50 હજાર અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યો હતો.
આર્થિક અને પર્યાવરણીય લાભ:
ગામમાં દૂધ ઉત્પાદન વધીને પ્રતિ માસ અંદાજે 12 થી 13 હજાર લીટર થયું. ઘાસચારાની ઉપજમાં 07 ગણો વધારો થયો તેમજ વાંસના વેચાણથી રૂ. 17.7 લાખથી વધુની આવક થઈ. વન વિભાગ દ્વારા ગામમાં રૂ. 59.4 લાખથી વધુના વિકાસકામો જેમાં પીવાના પાણીની પાઇપલાઇન, રસ્તા, સિલાઇ વર્ગ વગેરે પૂર્ણ કરવામાં આવ્યા છે.
અન્ય ગામ પ્રેરિત થયા
બલેઠી મોડેલથી પ્રેરિત થઈને માંડવી તાલુકાના આશરે 65થી વધુ ગામો જેમ કે અમરકુઈ,વાંકલ પણ પોતાના જંગલોનું રક્ષણ કરવા પ્રેરાયા છે જે ગામજનોની આ અનોખી પહેલની પર્યાવરણીય સિદ્ધિ તરીકે ઓળખી શકાય.
