સુરતમાં અમરોલીની શાળામાં આગ લાગી: શિક્ષકની સતર્કતાથી 300 થી વધુ વિદ્યાર્થીઓ સુરક્ષિત, મોટી દુર્ઘટના ટળી

સુરતના અમરોલીમાં પાલિકા શાળાની મીટર પેટીમાં ધડાકા સાથે આગ લાગી. 300થી વધુ બાળકો વર્ગખંડમાં હતા ત્યારે શિક્ષકે સમયસૂચકતા વાપરી ફાયર એક્સ્ટિંગ્વિશરથી આગ બુઝાવી મોટી હોનારત ટાળી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 09 Oct 2026 11:40 AM (IST)Updated: Fri, 09 Oct 2026 11:40 AM (IST)
surat-amroli-school-fire-teacher-bravery-students-safe

Surat School Fire: સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં મીટર પેટીમાં આગ લાગી હતી. શાળામાં અભ્યાસ કાર્ય ચાલી રહ્યો હતો તે દરમ્યાન મીટર પેટીમાં ધડાકાભેર આગ લાગી હતી. આગના કારણે ધુમાડો નીકળતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જ્યારે ફાયર બ્રિગેડની ટીમ શાળા પહોંચે તે પહેલા જ એક શિક્ષકે સતર્કતા દાખવીને ફાયર એક્સ્ટિંગ્વિશર વડે આગને ઓલવી દીધી હતી.

મીટર બોક્સમાં આગ લાગી

મળતી માહિતી મુજબ, સુરતના અમરોલી વિસ્તારમાં ગણેશપુરા રોડ પર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શાળા ક્રમાંક-232 આવેલી છે. શાળા રાબેતા મુજબ ચાલુ હતું અને શાળામાં અંદાજીત 300થી 400 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. તે દરમ્યાન શાળામાં આવેલી ઇલેક્ટ્રિક મીટર પેટીમાં ધડાકા સાથે આગ લાગી હતી. આગના કારણે ત્યાં ધુમાડો થયો હતો. બીજી તરફ શાળાના શિક્ષકો દ્વારા તાત્કાલિક તમામ વિદ્યાર્થીઓને વર્ગખંડોમાંથી બહાર કાઢી સુરક્ષિત ખુલ્લા પેસેજ અને ગ્રાઉન્ડ તરફ ખસેડવાની કવાયત હાથ ધરી હતી.

શિક્ષકે સમયસૂચકતા દાખવી આગ ઓલવી

બીજી તરફ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જોકે, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ શાળાના એક શિક્ષકે હિંમત અને બહાદુરી દર્શાવી હતી. તેમણે શાળામાં લગાવેલા ફાયર એક્સ્ટિંગ્વિશર સિલિન્ડરનો ઉપયોગ કરી આગ પર સીધો મારો ચલાવ્યો હતો. શિક્ષકની આ સમયસૂચકતા અને ઝડપી નિર્ણયશક્તિથી આગ વધુ ફેલાય તે પહેલાં જ તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો.

સદનસીબે જાનહાનિ ટળી

શિક્ષકેના આ ત્વરિત પગલાથી આગ અન્ય ક્લાસરૂમ સુધી પહોચતા અટકી ગઈ હતી. બીજી તરફ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને તેમણે કુલિંગની કામગીરી હાથ ધરી હતી તેમજ વાયરીંગ અને સ્વીચબોર્ડ તપસ્યા હતા. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ વિદ્યાર્થી કે શાળાના શિક્ષકોને કોઈ ઈજા પહોચી ન હતી જેથી સૌ કોઈએ રાહત અનુભવી હતી.