Surat Althan Accident: આપણા ગુજરાતીમાં એક ઉક્તિ છે 'રામ રાખે તેને કોણ ચાખે', જેને યથાર્થ ઠેરવતો એક અજીબ અકસ્માતનો બનાવ સુરત શહેરમાંથી સામે આવ્યો છે. જેમાં ટ્રેક્ટરના ટાયર નીચે આવી ગયેલી મહિલાનો ચમત્કારિક બચાવ થયો છે. હાલ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના અલથાણ-ભટાર વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટની બહાર એક મહિલા પસાર થઈ રહી હતી. આ સમયે મહિલા પોતાના મોબાઈલમાં મશગુલ હતી, ત્યારે ટ્રેક્ટર ચાલકે પાછળ જોયા વિના પોતાનું ટ્રેક્ટર રિવર્સ લીધુ હતુ.
જેના કારણે પાછળ રહેલી મહિલા ટ્રેક્ટરની ટ્રોલી સાથે ભટકાઈને નીચે પટકાઈ હતી. જે બાદ મહિલા પરથી ટ્રેક્ટરના તોતિંગ ટાયર ફરી વળ્યા હતા. આ સમયે આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. જેમણે મહિલાને ટ્રેક્ટર નીચેથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડી હતી.
બીજી તરફ અકસ્માત સર્જ્યા બાદ ટ્રેક્ટરનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. હાલ તો પોલીસે CCTV ફૂટેજના આધારે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ટ્રેક્ટર ચાલકની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
