Surat Ahimsa March: રાજ્યમાં ગેરકાયદે ચાલતા કતલખાના અને ગૌ-હત્યા બંધ કરાવવાની માંગ સાથે સુરતના ઉમરામાં સરગમ શોપિંગ સેન્ટરથી અહિંસા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે આ રેલીમાં જૈન સમાજ તેમજ સાધુ-સંતો અને જીવદયા પ્રેમી સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા અને જિલ્લા કલેક્ટરનેઆવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. વિવિધ બેનરો સાથે લોકો અહિંસા માર્ચમાં જોડાયા હતા.
ગુજરાત ગૌરક્ષા આયોગના ચેરમેન સાજન ભરવાડે જણાવ્યું કે, આજે 2 ઓકટોબરના રોજ સુરત શહેર કે જે હિન્દુસ્તાનનું હૃદય કહેવાય અને ભાજપનો ગઢ કહેવાય છે, જીવ હિંસા અને ગૌહત્યા બંધ થાય એ માટે સમગ્ર જૈન સમાજ અને સાધુ સંતોએ એક થઈને એક રેલીનું આયોજન કરીને કલેકટરને આવેદનપત્ર આપવાનું છે. માત્ર સુરતમાં જ નહીં આજે સમગ્ર ગુજરાતમાં બેરોકટોક કતલખાના ચાલી રહ્યા છે, ગૌ હત્યા અટકતી નથી.
આજે 2 ઓકટોબરે એ જ યાદ અપાવવું છે કે ભારત દેશ આઝાદ થયો ત્યારે મહાત્મા ગાંધીનું પણ એક સ્વપ્ન હતું કે ભારત દેશ આઝાદ થાય એટલે પહેલા ગૌ-હત્યા બંધ થવી જોઈએ પણ એ પછી કોંગ્રેસ 50 વર્ષ સુધી સત્તા પર રહી કોંગ્રેસે પણ ગાય વિશે કઈ વિચાર્યું નહીં. ભાજપ 14 વર્ષથી સત્તા પર છે, પણ તે પણ ગાય માટે કઈ વિચારતી નથી. ગુજરાતના ગૃહમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી પણ જૈન છે, અને તેમના વિસ્તારમાં જૈન સમાજ દ્વારા જો આ રેલી કાઢવામાં આવતી હોય તો શરમજનક વાત છે.
અભિષેક શાહએ જણાવ્યું કે, ગાંધી જયંતિના દિવસે ગુજરાતમાં ચાલતા ગેરકાયદે કતલખાનાને બંધ કરાવવા માટે આ અહિંસા રેલી છે. આજે મહોલ્લાના પટાંગણમાં કતલખાના અને એ પણ ગેરકાયદે ખુલી રહ્યા છે, સરકાર પર્યાવરણને બચાવવા માટે કરોડો રૂપિયાના બજેટ પસાર થઈ રહ્યા છે. આપણે જાણીએ છીએ કે પર્યાવરણ તો જ સુરક્ષિત છે જો પશુઓ છે અને વિશ્વ જ્યારે પશુઓને બચાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે.
આપણા દ્વારા ગેરકાયદે કતલખાના દ્વારા અસંખ્ય અને અબોલ જીવો મરી રહ્યા છે અને આજે અમારી એક જ વાત છે કે આ કતલખાના બંધ થવા જોઈએ, અબોલ જીવો જેમનો કોઈ વાંક નથી. તે અબોલ જીવ કોઈની માં છે કોઈનો દીકરો છે અને એના પર જ્યારે છરાનો ઘા પડી રહ્યો છે, ત્યારે એના પર શું વીતતી હશે તે સરકાર વિચારવાની જરૂર છે. એક જ વિનંતી છે કે જેટલા પણ ગેરકાયદે કતલખાના છે તે બંધ થવા જોઈએ.
અહિયાં જેટલા પણ લોકો ઉપસ્થિત છે તે બધા કોઈની કોઈ જગ્યાએ સારી પોસ્ટ પર છે, તો કોઈ સારા વેપારી છે, ટેક્સ, પેટ્રોલમાં વધારો થયો અમે કોઈ દિવસ સામે આવ્યા નથી. પરંતુ આજે અબોલ જીવો મરી રહ્યા છે, ગલી ગલીએ કતલખાના ખુલી રહ્યા છે એ કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહી. સરકારને અમારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે આ ગેરકાયદે કતલખાના બંધ કરાવો.
