Surat News: સુરતના અડાજણ ગામ કોળીવાડમાં દુષિત પાણી આવતું હોવાથી રહીશોને ભારે હાલાકી પડી રહી છે, રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા 10 થી 15 દિવસથી દુર્ગંધ મારતું પાણી આવે છે અને આ મામલે મનપામાં ફરિયાદ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ સમસ્યાનો નિવેડો આવ્યો નથી.
મળતી માહિતી મુજબ, સુરતના અડાજણ ગામ કોળી મહોલ્લામાં ગંદા પાણીની સમસ્યા છે, અહી દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે, આ સમસ્યા છેલલા 10 થી 15 દિવસથી છે, દુર્ગંધ મારતું પાણી આવતું હોવાથી રહીશોના સ્વાસ્થ્યને લઈને પ્રશ્ન ઉભો થયો છે તેમજ આ મામલે મનપામાં ફરિયાદ કરી છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. તહેવારોની સિઝનમાં ગંદા પાણીની સમસ્યા સર્જાતા ગૃહિણીઓની હાલાકી બેવડાઈ ગઈ છે. સ્થાનિક મહિલાઓએ વ્યથા ઠાલવતા કહ્યું કે, દિવાળીના તહેવારમાં ઘરની સાફ-સફાઈ અને કપડાં ધોવા માટે પાણીની સૌથી વધુ જરૂર હોય છે, પરંતુ નળમાંથી ભારે દુર્ગંધ મારતું પાણી આવે છે. પીવાલાયક પાણી ન હોવાથી રહીશો અન્ય વિકલ્પો શોધવા મજબૂર બન્યા છે.
મહેશ ભાઈ પટેલએ જણાવ્યું હતું કે અડાજણ ગામ કોળી મહોલ્લામાં ગંદા પાણીની સમસ્યા છે, દુર્ગંધ મારતું પીળુ પાણી આવે છે અને આની ફરિયાદ કમિશ્નરને 10 થી 15 દિવસ પહેલા જ કરી હતી, ગંદા પાણીની ફરિયાદ ચાલુ થઇ એટલે મેં કોઝવેનો રાઉન્ડ લીધો હતો અને કોઝવેની અંદર જળકુંભી ઉભી થવા પામી છે. કોઝવેની અંદર જે ગંદુ પાણી છે એના કારણે અહી ગંદા પાણીની સમસ્યા છે.
કોઈ પાઈપ લાઈન બગડી છે કે ડ્રેનેજની સમસ્યા એવું કાઈ નથી, કોઝવેની અંદર ડ્રેનેજનું પાણી ભળી ગયું છે જે ગંદા પાણીના આઉટલેટ બંધ કરી દેવા જોઈએ એ થયા નથી. એના કારણે આ સમસ્યા આખા શહેરની પ્રજા ભોગવી રહી છે. અડાજણ, રાંદેર, પાલ ભાઠા, ગમે ત્યાં જાવ આ પ્રકારનું પાણી આવે છે. પ્રજા એટલી હદે ત્રસ્ત થઇ ગઇ છે અને તંત્ર ધ્યાન આપતું નથી. અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળતા નથી આના કારણે લોકો બીમાર પડે છે.
ભરતભાઈએ જણાવ્યું હતું કે 15 થી 20 દિવસથી ગંદુ પાણીની સમસ્યા છે, અમે મનપામાં ફરિયાદ કરી છે પરંતુ કોઈ નિકાલ આવ્યો નથી અમને મનપાને અપીલ કરીએ છીએ આ જલ્દીથી સમસ્યાનો નિકાલ કરો.
