Surat Student Scholarship: 'શિક્ષણ' એ માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાનું માધ્યમ નથી, પરંતુ વ્યક્તિના સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને રાષ્ટ્રના વિકાસનો મજબૂત પાયો છે. વિદ્યાર્થીઓના સપનાને સાકાર કરવા માટે યોગ્ય શૈક્ષણિક તકોની સાથે આર્થિક સહયોગ પણ એટલો જ જરૂરી છે. દર વર્ષે ૧૫મી ઓક્ટોબરે ઉજવાતા ‘વિશ્વ વિદ્યાર્થી દિવસ’ના અવસરે વિદ્યાર્થીઓના શિક્ષણ, સંશોધન, નવીનતા અને સર્વાંગી વિકાસના મહત્વને ઉજાગર કરવામાં આવે છે.
સુરતના લાખો વિદ્યાર્થીઓને કરોડોની સહાય
સુરત જિલ્લામાં રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ વધવા માટે આર્થિક પ્રોત્સાહન પૂરું પાડતી મહત્વપૂર્ણ પહેલ બની રહી છે. જિલ્લામાં 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના' યોજના હેઠળ વર્ષ 2025-26 અને વર્ષ 2026-27 દરમિયાન અત્યાર સુધીમાં કુલ 8,79,309 લાભાર્થીઓને રૂ.106.06 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. આ સહાયથી વિદ્યાર્થીઓને શિક્ષણમાં સાતત્ય જાળવવા અને ઉજ્જવળ કારકિર્દી તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન મળી રહ્યું છે.
નમો લક્ષ્મી યોજનાને અમલમાં કેમ મૂકાઈ?
'નમો લક્ષ્મી' યોજના દીકરીઓના શિક્ષણને આર્થિક બળ પુરૂં પાડે છે. દીકરીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે, તેમનું શિક્ષણ અટકે નહીં અને આર્થિક મુશ્કેલીઓને કારણે અભ્યાસ અધૂરો ન રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાની સાથે દીકરીઓને શિક્ષણના માધ્યમથી આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કરે છે.
આ યોજના હેઠળ કેટલી સહાય ચૂકવાઈ?
સુરત જિલ્લામાં નમો લક્ષ્મી યોજના હેઠળ વર્ષ 2025-26માં 5,30,263 લાભાર્થીઓને રૂ. 34,71,94,000ની સહાય ચૂકવવામાં આવી હતી. જ્યારે વર્ષ 2026-27માં અત્યાર સુધીમાં 2,10,187 લાભાર્થીઓને રૂ. 54,29,85,250ની સહાય ચૂકવવામાં આવી છે. આ યોજના દ્વારા દીકરીઓને શિક્ષણ સાથે જોડાયેલી રાખવા અને તેમના શૈક્ષણિક ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવાના પ્રયાસોને વેગ મળી રહ્યો છે.
વિજ્ઞાન અને ટેક્નોલોજી માટે સરકારની યોજના
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહન આપે છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા ઇચ્છતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલમાં મૂકવામાં આવી છે. વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડતી આ યોજના ઉચ્ચ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે આગળ વધવાની તેમની આકાંક્ષાઓને બળ પૂરું પાડે છે.
આ યોજના હેઠળ કેટલી રકમ ચૂકવાઈ
સુરત જિલ્લામાં નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વર્ષ 2025-26માં 94,754 વિદ્યાર્થીઓને રૂ. 9.48 કરોડની સહાય ચૂકવવામાં આવી હતી. જ્યારે વર્ષ 2026-27માં અત્યાર સુધીમાં 44,105 વિદ્યાર્થીઓને રૂ. 7.57 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. વિજ્ઞાન શિક્ષણને પ્રોત્સાહન આપતી આ પહેલ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધનવૃત્તિ અને ટેક્નોલોજી પ્રત્યે રસ વિકસાવવામાં સહાયક બની શકે છે.
શૈક્ષણિક સહાયથી વિદ્યાર્થીઓને રાહત
સુરત જિલ્લામાં બંને યોજનાઓ હેઠળ વર્ષ 2025-26 દરમિયાન કુલ 6,25,017 લાભાર્થીઓને રૂ. 44,19,48,000ની સહાય ચૂકવવામાં આવી હતી. જ્યારે વર્ષ 2026-27માં અત્યાર સુધીમાં કુલ 2,54,292 લાભાર્થીઓને રૂ. 61,87,34,250ની સહાય ચૂકવવામાં આવી છે. આ શૈક્ષણિક સહાયથી વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક રાહત મળવાની સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ ચાલુ રાખવા અને ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણની તકો પ્રાપ્ત કરવા માટે પ્રેરણા મળે છે.
શિક્ષિત, કુશળ અને આત્મનિર્ભર યુવા પેઢી જ વિકસિત સુરત, વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપી શકે છે, ત્યારે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના જેવી શૈક્ષણિક પહેલો વિદ્યાર્થીઓને અભ્યાસમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે.
