સુરત: હત્યા કેસમાં 26 વર્ષથી ફરાર આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો, કેવી રીતે આપતો પોલીસને હાથતાળી?

પોલીસથી બચવા માટે આરોપી પોતાના વતન પણ જતો ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 25 Oct 2026 06:21 PM (IST)Updated: Sun, 25 Oct 2026 06:21 PM (IST)
surat-2000-murder-case-absconding-accused-arrested-nashik-after-26-years

Surat 2000 Murder Case: સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2000માં નોંધાયેલા હત્યાના ગુનામાં છેલ્લા 26 વર્ષથી ફરાર આરોપીને PCB ટીમે મહારાષ્ટ્રના નાસિક ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી અલગ-અલગ સ્થળોએ મજૂરી કરીને રહેતો હતો. પોલીસથી બચવા માટે તે મોબાઇલ ફોનનો ઉપયોગ પણ ન કરતો અને વતન પણ જતો ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, સુરતના પાંડેસરા પોલીસ મથકમાં વર્ષ 2000માં હત્યાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં આરોપી ઉમેશ ગોપાલ માનકર છેલ્લા 26 વર્ષથી નાસતો ફરતો હતો. આ દરમિયાન PCB પોલીસની ટીમે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપી મહારાષ્ટ્ર નાસિક ગ્રામીણ સાંઈખેડા ગંગા નગર ખાતે છે.

માહિતીના આધારે પોલીસની ટીમ ત્યાં પહોંચી અને આરોપી 62 વર્ષીય આરોપી ઉમેશ ગોપાલ માનકરને ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી ઉમેશ ગોપાલ માનકર મૂળ મધ્યપ્રદેશ ખરગોન જિલ્લાનો વતની છે અને વર્ષ 2000માં પાંડેસરા વિસ્તારમાં હમાલી કામ કરતો હતો. તે દરમિયાન દત્તુ માલજી પાટીલ નામના વ્યક્તિ સાથે તેનો ઝઘડો થયો હતો.

આ ઝઘડા દરમિયાન આરોપીએ લાકડાના ફટકા વડે હુમલો કરતાં દત્તુ માલજી પાટીલનું મોત થયું હતું. આ મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ આરોપી પોલીસથી બચવા માટે ફરાર થઈ ગયો હતો. આરોપી ધરપકડથી બચવા માટે મધ્યપ્રદેશના બડવાની, ઉજ્જૈન અને ીન્દોર તથા મહારાષ્ટ્રના નાસિક ખાતે રહીને છૂટક મજૂરી કામ કરતો હતો.

આરોપી પોલીસના હાથમાં ન આવે તે માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો નહોતો અને પોતાના વતન પણ જતો ન હતો. આરોપીના પરિવારમાં ફક્ત તેની બે બહેનો જ છે જેથી આરોપીને પકડવા માટે પોલીસે આરોપીની બે બહેનો તથા ભાણેજ ઉપર સતત ત્રણ વર્ષ સુધી ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સથી સર્વેલન્સ રાખી આરોપી બાબતે માહિતી મેળવી આરોપીને ઝડપી પાડ્યો હતો.

26 વર્ષથી હત્યાના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ માટે આરોપીને પાંડેસરા પોલીસ સ્ટેશનને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી હતી. PCB પોલીસ દ્વારા છેલ્લા સાડા ત્રણ વર્ષમાં દસ વર્ષથી વધુ સમયથી ગંભીર ગુનામાં ફરાર કુલ 58 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.